Western Times News

Gujarati News

સૂત્રાપાડામાં ૧૪ ઈંચ અને ધોરાજીમાં ૧૧ ઈંચ વરસાદથી જનજીવન ઠપ્પ

ભાદર-૨ ડેમના ૫ દરવાજા ખોલાયા-સૂત્રાપાડા-ધોરાજીમાં આભ ફાટ્યું

ધોરાજીના બહારપુરા, ખ્વાજાસાહેબ દરગાર પાસે ૪૦થી વધુ મોટરકાર પાણીમાં ડૂબી હતી. કુંભારવાડા, રામપરા અને બહારપુરાના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.

સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદઃ વીજળી પડતાં યુવતીનું મોત

ઘરોમાં પાણી ઘુસી ગયાઃ ગાડીઓ ડૂબીઃ મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદઃ સુરતમાં ચારેતરફ પાણી જ પાણીઃ અમરેલી જિલ્લામાં વ્યાપક વરસાદ

અમદાવાદ, હવામાન વિભાગે ગુજરાતમાં મંગળવારથી વરસાદનો ત્રીજાે રાઉન્ડ થશે તેવી આગાહી કરી હતી. અને આજે સવારથી જ રાજ્યનાં દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડતાં ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજકોટના ધોરાજી અને સૂત્રાપાડામાં આભ ફાટ્યું હોય તે રીતે ૧૦ ઈંચ અને ૯ ઈંચ વરસાદ પડતાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને વાહનો પણ ડૂબી ગયા હતાં. જસદણ નજીક વીજળી પડતાં એક યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે ભાદર-૨ ડેમના ૫ દરવાજા ખોલી નાખવામાં આવ્યાં છે. અમરેલી અને મહિસાગર જિલ્લામાં પણ સાવર્ત્રિક વરસાદ પડ્યો છે.

સુરતમાં બે કલાકમાં જ ૪ ઈંચ જેટલો વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. જ્યારે જાંબુઘોડામાં પાંચ ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે કેટલાંક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યાે છે.

ગુજરાતમાં પાંચ દિવસ સાવર્ત્રિક મેઘમહેરની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ જાેવા મળી રહી છે. રાજકોટના ધોરાજીમાં ૬ કલાકમાં જ ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં ચાર કલાકમાં ૬ ઈંચ વરસાદ ખાબક્યો છે.

કોડીનાર સુરત, તાલાલા અને મેંદરડામાં પણ ચાર ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદની વચ્ચે જસદણ તાલુકામાં વીજળી પડવાના કારણે ૨૧ વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે સાંબેલાધાર ૧૦ ઈંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારમાં જમીન ત્યાં જળની સ્થિતિ થઈ ગઈ છે. ધોરાજીના બહારપુરા, ખ્વાજાસાહેબ દરગાર પાસે ૪૦થી વધુ મોટરકાર પાણીમાં ડૂબી હતી. કુંભારવાડા, રામપરા અને બહારપુરાના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.

ગીર સોમનાથ જિલ્લા પર આજે સવારથી જ મેઘરાજા મહેરબાન છે. સૂત્રાપાડામાં સાંબેલાધાર ૯ ઈંચ વરસાદ ખાબકતા ચારેકોર પાણી પાણી થઈ ગયું છે. ૯ ઈંચ વરસાદના કારણે પ્રસ્નાવાડા ગામમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. તો જિલ્લાના હિરણ-૨ ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમના પાંચ દરવાજા બબ્બે ફૂટ ખલોવામાં આવ્યા હતા. જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે હિરણ નદી હાલ બે કાંઠે વહી રહી છે.

અમરેલી જિલ્લામાં મેઘરાજા દરરોજ ધબધબાટી બોલાવે છે. ત્યારે આજે પણ બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમરેલી શહેર, લાઠી શહેર, બાબરા, રાજુલા, ખાંભા અને ધારી સહિત મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ છે.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે કડુકા ગામમાં વીજળી પડવાને કારણે ખેતરમાં કામ કરી રહેલાં પાયલ સંજયભાઈ બેરાણી નામની યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતીના મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

રાજકોટ જિલ્લામાં અને આસપાસ વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ભાદર-૨ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. જેના કારણે હાલ ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી ૧૩ હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતા હેઠવસામાં આવતા ધોરાજી તાલુકાના ભોળા,

ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા તથા ઉપલેટાના લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

સુરતના સહારા દરવાજા પાસે સરકારી બસ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગઈ હતી. સુરત એસટી ડેપો તરફથી નીકળેલી બસ અધવચ્ચે જ બંધ થઈ જતાં બસમાં સવાર યાત્રીઓ ફસાઈ ગયા હતા. યાત્રીઓના શ્વાસ અધ્ધર થઈ જતાં તેમને બારીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.

સુરત શહેરના લિંબાયતમાં માત્ર ૨ કલાકમાં ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. એને લઇને ચારેતરફ પાણી પાણી થઈ ગયું છે. લિંબાયત ઝોનમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને તાલાલાના ગ્રામ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

સુરતમાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે ઉધના દરવાજા, લિંબાયત, અડાજણ, સિવિલ પાસે, મીઠીખાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનાં દૃશ્યો સામે આવ્યાં હતાં. ઉધના દરવાજા પાસે મેઈન રોડ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.

મહીસાગર જિલ્લામાં પણ આજે મંગળવારે વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયેલાં જાેવા મળી રહ્યાં હતાં. ત્યારે બપોર બાદ એકાએક જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી ઘૂંટણ સમા પાણી વહેવા લાગ્યાં હતાં.

શહેરના માંડવીબજાર, હુસૈનીચોક, દરકોલી દરવાજા, હાટડિયા બજાર સહિતના જે વિસ્તારો છે એમાંથી ઘૂંટણ સમા પાણી વહેવા લાગ્યું હતું. બીજી તરફ, ધોધમાર વરસાદ વરસવાના કારણે ગરમીથી પણ લોકોને રાહત મળી છે.

પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી કહેવાતા જાંબુઘોડામાં સોમવારે વહેલી સવારથી સાંજ સુધીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં નદી-નાળાં છલકાયાં હતાં. જાંબુઘોડામાં વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાયાં હતાં. સુખી નદી બે કાંઠે વહેતી થઈ હતી તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં.

જાંબુઘોડાથી બોડેલી તરફ જવાના માર્ગ પર આવેલા અને ડુંગરાળ વિસ્તારના પાણીને સુખી નદીમાં આવતા કોતર પર બ્રિટિશ સમયનો બનાવેલો પુલ ધોવાયો હતો. સવારે સાત વાગ્યે પુલ પિલર ઉપરથી બેસી જતાં એક તબક્કે બોડેલી તરફ થઈ આવતાં વાહનો અટકાવી ડાઇવર્ટ કરવામાં આવ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.