Accident:ટાયર ફાટતા બેકાબૂ ટ્રકે ૩ બસોને ટક્કર મારતા ૧૪ લોકોનાં મોત
ભોપાલ, સીધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખરા ગામમાં શુક્રવારે રાત્રે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૪ લોકોનાં મોત નીપજ્યા છે અને ૫૦ જેટલાં મુસાફરો ઘાયલ થયા છે. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૮ લોકોએ તો ઘટના સ્થળે જ પોતાના દમ તોડ્યા હતા. જ્યારે બાકીના લોકોનાં મોત સારવાર દરમિયાન નીપજ્યા હતા.
આ અકસ્માત ટ્રકનું ટાયર ફાટતા સર્જાયો હતો. ટ્રકે ત્રણ બસોને ટક્કર મારતા બે બસો ખીણમાં જઈને પડી હતી. અત્યાર સુધીમાં સાત મૃતકોની ઓળખાણ થઈ ચૂકી છે. ત્યારે પોલીસે પણ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બસો સતનામાં યોજાયેલા કોલ સમાજના મહાકુંભમાં સામેલ થયા બાદ પરત ફરી રહી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સીએમ શિવરાજસિંહ પણ સામેલ થયા હતા. સીએમ શિવરાજસિંહ સીધીમાં જ હતા.
દુર્ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. અકસ્માતને નજરે જાેનારાઓએ જણાવ્યું કે, ૯ વાગે મોહનિયા ટનલથી થોડે દૂર આ અકસ્માત સર્જાયો હતો. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલીં ટ્રકે ત્રણ બસોને ટક્કર મારી હતી.
બે બસો ૧૦ ફૂટ ઉંડી ખીણમાં જઈને પડી હતી. તો એક બસ હાઈવે પર જ લટકી પડી હતી. ટ્રક સિમેન્ટથી ભરેલો હતો અને ટક્કર માર્યા બાદ પલટી ખાઈ ગયો હતો. એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, સતનમાં કાર્યક્રમ માટે તમામ જિલ્લાને ૩૦૦-૩૦૦ બસો ભરીને લોકોને લાવવા માટે ટારગેટ આપવામાં આવ્યો હતો. સાંજે સાડા પાંચ વાગે કાર્યક્રમ પૂરો થયો હતો.
જે બાદ બસો સતનાથી રામપુર બઘેલાન અને રીવાના રસ્તે મોહનિયા ટનલ થઈને જઈ રહી હતી. ટનલથી એક કિમી દૂર સીધી જિલ્લાની ચુરહટમાં બરખડા ગામ પાસે ત્રણ બસો થોડી વાર માટે રોકાઈ હતી. અહીં યાત્રીઓ માટે ચા-નાસ્તાની સુવિધા કરવામાં આવી હતી.
આ દરમિયાન પાછળથી આવી રહેલાં ટ્રકે ત્રણેય બસોને ભયંકર ટક્કર મારી હતી. ત્રણેય બસોમાં ૫૦-૬૦ લોકો સવાર હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રુપિયાની સહાયની જાહેરાત કરી છે. તો ગંભીર રીતે ઘાયલ લોકોને રુપિયા ૨-૨ લાખની સહાય અને સામાન્ય ઈજાગ્રસ્તોને રુપિયા ૧-૧ લાખની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી શિવરાજસિંહ રાત્રે જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીં પહોંચીને તેઓએ સ્થિતિની સમીક્ષા કરી હતી. તો આ દુર્ઘટના બાદ સીધીના કલેક્ટર અને એમપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સીધીના સાંસદ રીતિ પાઠક પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા કમલનાથ, અજય સિંહે પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યુ હતુ.SS1MS