ગુજરાતની 144 મંડીઓ e-NAM પોર્ટલ પર સંકલિત થઈ, 8.69 લાખથી વધુ ખેડૂતો જોડાયા

ગુજરાતમાં ડિજિટલ કૃષિ ક્રાંતિ: e-NAM પ્લેટફૉર્મ થકી ગુજરાતમાં ₹10 હજાર કરોડથી વધુ મૂલ્યની કૃષિપેદાશોનું વેચાણ
ઓનલાઇન વેચાણથી ખેડૂતોને બજારભાવ કરતા મળે છે વધુ ભાવ, પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય છે
ભારતના ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ કરી શકે, તેમના ઉત્પાદનો માટે તેમને સ્પર્ધાત્મક ભાવ મળે અને તેમની આવકમાં વધારો થાય, તેવા ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (e-NAM) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. ઇ-નામ પોર્ટલ ખેડૂતોને તેમની નજીકની ઇ-નામ મંડીઓ દ્વારા તેમની પેદાશોનો વેપાર કરવા અને વેપારીઓને કોઈપણ સ્થળેથી ઓનલાઈન હરાજી કરવા માટે સક્ષમ બનાવે છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ઇ-નામ પોર્ટલ પર 8 લાખથી વધુ ખેડૂતોને જોડવામાં આવ્યા છે. ઇ-નામ પોર્ટલ પર ગુજરાતની 144 મંડીઓને સંકલિત કરવામાં આવી છે.
અત્યારસુધીમાં ઇ-નામ પ્લેટફોર્મ મારફતે ગુજરાતમાં 2.64 કરોડ ક્વિન્ટલથી વધુ કૃષિપેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે, જેનું કુલ મૂલ્ય ₹10,535.91 કરોડ છે. આમ, ઇ-નામ પોર્ટલ થકી ગુજરાતમાં ₹10 હજાર કરોડથી પણ વધુ કૃષિપેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે. ઇ-નામ પોર્ટલ પર રાજ્યના લાખો ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડીને ગુજરાત ભારતની ડિજિટલ કૃષિ ક્રાંતિને સતત આગળ ધપાવી રહ્યું છે.
‘બજારભાવ કરતા વધુ સારો ભાવ મળે છે, પૈસા સીધા ખાતામાં જમા થાય છે’
ઉના બજાર સમિતિના શ્રી પરબતભાઈ ગોવિંદભાઈ પટાટ છેલ્લા એક વર્ષથી ઇ-નામ પોર્ટલ પર જોડાયા છે અને મગફળીનું ઓનલાઇન વેચાણ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે સ્થાનિક બજારમાં વેચાણની સરખામણીએ ઓનલાઈન વેચાણથી ઘણો ફરક પડે છે. વેચાણની પ્રક્રિયા વધુ ઝડપી બની છે. અમને ખૂબ જ સારો ભાવ મળી રહ્યો છે. સ્થાનિક બજારની સાપેક્ષે અમને 200થી 500 રૂપિયા વધુ ભાવ મળે છે. જેનાથી અમારી આવકમાં ઘણો વધારો થયો છે.
પરબતભાઈ જણાવે છે કે, ઇ-નામ પોર્ટલ મારફતે મગફળીના વેચાણથી તેમની આવકમાં આશરે પાંચથી સાત ટકાનો વધારો નોંધાયો છે. તેઓ જણાવે છે કે ઇ-નામ પોર્ટલ ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે. હવે અમારે પેમેન્ટની ઉપાધિ રહી નથી. પૈસા હવે સીધા ખાતામાં જમા થઈ જાય છે. માલ ઝડપથી વેચાઈ જાય છે. ઇ-નામ પોર્ટલ શરૂ કરીને કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતો માટે વેચાણની પ્રક્રિયા સરળ અને લાભદાયી બનાવી છે, જે માટે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ખૂબ આભારી છીએ.
બજાર સમિતિ ઉપલેટા સાથે જોડાયેલા હરેશભાઈ એમ. ઘોડાસરા છેલ્લાં 5 વર્ષથી ઇ-નામ પોર્ટલ પર કપાસ, મગફળી અને ઘઉં જેવી કૃષિપેદાશોનું વેચાણ કરી રહ્યા છે, જેના કારણે તેમની આવકમાં 15થી 20% જેટલો વધારો થયો છે. ઇ-નામ પોર્ટલ જેવી પહેલ શરુ કરવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતાં હરેશભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરુ કરેલા ઇ-નામ પોર્ટલ મારફતે ખેતપેદાશોનું ઓનલાઈન વેચાણ કરવાથી અમારા જેવા ખેડૂતોને અનેક ફાયદા થયા છે.
સીધા વેપારી સાથે જોડાણ થવાથી અમને કમિશન લાગતું નથી અને પૈસા પણ સીધા ખાતામાં આવી જાય છે. સ્થાનિક બજારની સરખામણીમાં ઓનલાઈન વેચાણ કરીને અમને 15થી 20% જેટલો ફાયદો થાય છે. આજથી 20 વર્ષ પહેલાં મારી પાસે કંઈ ન હતું, પરંતુ આજે ઇ-નામ પોર્ટલના આર્થિક ફાયદાને કારણે અમે હવે માલ ઓનલાઈન જ વેચવાનું પસંદ કરીએ છીએ.”
ગુજરાતમાં 8.87 લાખથી વધુ લોકો e-NAM પોર્ટલ પર સંકલિત
કૃષિ એ ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને તકનીકી પ્રગતિ સાથે આ ક્ષેત્ર અભૂતપૂર્વ પરિવર્તનનું સાક્ષી બન્યું છે. 31 ડિસેમ્બર 2024ના આંકડા મુજબ, રાજ્યમાં કુલ 8,87,420 લોકો આ પ્લેટફૉર્મનો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યા છે, જેમાં 8,69,807 ખેડૂતો, 10,181 વેપારીઓ, 7,170 કમિશન એજન્ટો અને 262 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)નો સમાવેશ થાય છે.
e-NAM પ્લેટફૉર્મ પર કૃષિ ક્ષેત્રના 8 લાખથી વધુ ખેડૂતોને ડિજિટલ રીતે જોડીને, ટેક્નોલોજીને અપનાવીને, સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપીને અને ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપીને ગુજરાતે કૃષિ ક્ષેત્રમાં સુશાસનનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ પરિવર્તનકારી પહેલ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવે છે, વિવિધ મંડીઓમાં ખેત પેદાશોના ભાવ વિશે ખેડૂતોને માહિતી પૂરી પાડે છે અને ગ્રામીણ ઉત્પાદકો અને રાષ્ટ્રીય બજારો વચ્ચેના અંતરને દૂર કરીને તેમને સીધો વેપાર કરવા સક્ષમ બનાવે છે. એટલે કે ગુજરાત માત્ર ભારતની ડિજિટલ કૃષિ ક્રાંતિનું નેતૃત્વ નથી કરી રહ્યું, પરંતુ પરિવર્તનકારી કૃષિ નીતિઓમાં અગ્રણી રાજ્ય તરીકે પોતાની સ્થિતિને પણ વધુ મજબૂત બનાવી રહ્યું છે.
શું છે e-NAM?
e-NAM એ ભારતભરમાં કાર્યરત એક ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફૉર્મ છે, જે કૃષિ ઉત્પાદનો માટે એકીકૃત બજારનું નિર્માણ કરવા માટે તમામ APMC મંડીઓને એકસાથે લાવે છે. કૃષિ મંત્રાલય હેઠળના સ્મોલ ફાર્મર્સ એગ્રીબિઝનેસ કન્સોર્ટિયમ (SFAC) ની આગેવાની હેઠળ, આ પ્લેટફૉર્મનો ઉદ્દેશ કૃષિ માર્કેટિંગને પ્રમાણિત કરવાનો, માહિતીની કમીઓને દૂર કરવાનો અને પુરવઠા અને માંગના આધારે વાસ્તવિક સમયનું કિંમત નિર્ધારણ (રિયલ ટાઇમ પ્રાઇસ ડિસ્કવરી)ને સક્ષમ કરવાનો છે. આ મિશનનો ઉદ્દેશ સમગ્ર દેશની એપીએમસીઓને એકીકૃત કરવાનો, ગુણવત્તા આધારિત હરાજી મારફતે પારદર્શક કિંમત નિર્ધારણની સુવિધા આપવાનો અને સમયસર ઓનલાઇન ચૂકવણીઓ સુનિશ્ચિત કરવાનો છે.
આવા વિવિધ જૂથોને એકસાથે લાવીને, ગુજરાત કૃષિ બજારના પરિદ્રશ્યને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યું છે, અને રાજ્યના ખેડૂતોનો નાણાકીય સમાવેશ કરીને તેમને વધુ સશક્ત બનાવી રહ્યું છે. ગુજરાત કૃષિ ક્ષેત્ર માટે એક મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે તેમજ મૂલ્યશ્રૃંખલામાં તમામ હિતધારકો માટે મહત્તમ ભાગીદારી અને લાભ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.