દેશમાં એક જ દિવસમાં કોરોનાના ૧૪૮ કેસ નોંધાતા ભારે ફફડાટ
નવી દિલ્હી, વિશ્વભરમાં હજારો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. છેલ્લા ઘણા દિવસોથી બદલતા વાતાવરણ વચ્ચે ભારતમાં ફરી કોરોના વાયરસના ચેપના નવા કેસ સામે આવ્યા છે.
દેશમાં ઘણા ભાગોમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે તો કેટલાક ભાગોમાં શિયાળામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા કેસો આવતા ફરી એકવાર ચિંતા વધી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા આજે જાહેર કરાયેલા નવા અપડેટ ડેટા અનુસાર દેશમાં એક દિવસમાં કોરોનાના નવા ૧૪૮ કેસ નોંધાયા છે. આ આંકડા અનુસાર દર્દીઓની સંખ્યા વધીને ૮૦૮ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના કુલ કેસોની સંખ્યા ૪ કરોડ ૫૦ લાખ ૨ હજાર ૮૮૯ છે જ્યારે મૃતકોની સંખ્યા ૫ લાખ ૩૩ હજાર ૩૦૬ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટામાં રાહતના સમાચાર પણ છે જેમાં કોરોનાથી ૪ કરોડ ૪૪ લાખ ૬૮ હજાર ૭૭૫ લોકો ચેપમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ દેશમાં ચેપમાંથી સાજા થવાનો દર ૯૮.૮૧ ટકા છે જ્યારે મૃત્યુ દર માત્ર ૧.૧૯ ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર અત્યાર સુધીમાં દેશભરમાં એન્ટી-કોવિડ રસીના ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. હાલ ચીનમાં કોરોના પછી રહસ્યમય ન્યુમોનિયાનો ચેપ ફેલાયો છે અને દેશમાં કેટલાક કેસ પણ જાેવા મળ્યા છે, જેને લઈને કેન્દ્ર સરકારે પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે.