ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડનો ભોગ બનેલા ૧૫ પરિવારો હાઈકોર્ટના શરણે
અમદાવાદ, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલી ગેરરીતિઓ અને દર્દીઓ સાથેની છેતરપિંડીના મામલાએ નવો વળાંક લીધો છે. હોસ્પિટલના કથિત કૌભાંડનો ભોગ બનેલા ૧૫ પરિવારોએ હવે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં પીડિત પરિવારોએ વ્યક્તિગત ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે.
ખ્યાતિ હોસ્પિટલ પર એવા ગંભીર આરોપો છે કે તેણે તમામ નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરીને દર્દીઓને શારીરિક અને આર્થિક રીતે નુકસાન પહોંચાડ્યું છે.
હોસ્પિટલ પર આરોપ છે કે તેણે ખોટી રીતે એન્જીયોગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી જેવી પ્રક્રિયાઓ કરી છે, જેના કારણે ઘણા દર્દીઓને શારીરિક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.અત્યાર સુધી આ કેસમાં માત્ર એક જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેના કારણે અન્ય પીડિત પરિવારોને ન્યાય મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
આથી, પીડિત પરિવારોએ હાઈકોર્ટમાં અરજી કરીને વ્યક્તિગત ફરિયાદ નોંધાવવાની પરવાનગી માંગી છે.અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હોસ્પિટલ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા દર્દીઓ પાસેથી હજુ સુધી કોઈ તપાસ એજન્સી કે આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર નિવેદન લેવામાં આવ્યા નથી.
જેના કારણે પીડિતોમાં ભારે નારાજગી છે.આ ઘટનાક્રમ બાદ હવે હાઈકોર્ટ આ મામલે શું નિર્ણય લે છે તે જોવું મહત્વનું રહેશે. પીડિત પરિવારોને આશા છે કે હાઈકોર્ટ તેમને ન્યાય અપાવવામાં મદદ કરશે અને ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડની યોગ્ય તપાસ થશે.SS1MS