રશિયાના મોસ્કોના કેફેમાં આગ લાગતાં ૧૫નાં મોત
મોસ્કો, રશિયાના કોસ્ત્રોમાં શહેરના એક કેફેમાં શનિવારે આગ લાગી જવાથી ૧૫ લોકોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ જાણકારી આપી છે કે, કેફેમાં આગ ત્યારે લાગી જ્યારે કોઈ વ્યક્તિએ ઝઘડા બાદ ફ્લેયર ગનનો ઉપયોગ કર્યો હતો. ગનના ઉપયોગ બાદ આગ લાગી ગઈ હતી અને સ્થિતિ બેકાબુ બની ગઈ હતી. જાેકે આ ઘટનામાં રાહત બચાવ ટીમને રેસ્ટોરન્ટમાં ફસાયેલા ૨૫૦ લોકોને બચાવવામાં સફળતા મળી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આગજનીની ઘટના રશિયાની રાજધાની મોસ્કોથી ૩૪૦ કિલોમીટર દૂર ઉત્તરમાં સ્થિત કોસ્ત્રોમાં શહેરના રેસ્ટોરન્ટમાં બની હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, રેસ્ટોરન્ટમાં બે લોકો વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઈ ગયો હતો. ત્યાર બાદ એક વ્યક્તિએ ફ્લેયર ગનથી ફાયર કર્યું હતું. ત્યારબાદ રેસ્ટોરન્ટમાં આગ લાગી ગઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, આગને પગલે રેસ્ટોરન્ટમાં નાસભાગ મચી ગઈ હતી અને આ ઘટનામાં ૧૫ લોકો ગૂંગળામણ અને આગને કારણે મૃત્યુ પામ્યા છે. ઘટનાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, રેસ્ટોરન્ટમાં ૨૫૦થી વધુ લોકો હાજર હતા. માહિતી મળતાં જ રાહત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ૨૫૦ લોકોને બચાવ્યા હતા.
અધિકારીઓએ આ મામલે ગુનાહિત કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ એ વ્યક્તિને શોધી રહી છે જેણે ફ્લેયર ગનનો ઉપયોગ કર્યો હતો.