બનાસડેરી દ્વારા પશુપાલકોના અંદાજીત 15 લાખ ચૂકવવામાં ધાંધીયાઃ કલેકટરને રજૂઆત કરાઈ
બનાસડેરી દ્વારા વડગામની વાસણ (સે) મંડળીનાં દૂધનાં નાણાં ન ચૂકવાતાં આવેદન
પાલનપુર, વડગામ તાલુકાની ધી વાસણ (સે) દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ ભરાવતા ગ્રાહકોનું પેમેન્ટ બનાસ ડેરી દ્વારા અટકાવી દેવાતાં પશુપાલકો અને ડેરીના સંચાલક મંડળ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરી ત્રણ દિવસમાં બનાસડેરી દ્વારા પેમેન્ટ કરવામાં નહીં આવે તો સભાસદો સાથે કલેકટર કચેરી ખાતે ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વડગામ તાલુકાના ધી વાસણા (સે) ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી નોંધાયેલી છે. જેના રપ૦ જેટલા ગ્રાહકો દૂધ ભરાવે છે. મંડળીમાં દૈનિક ૩પ૦૦ લિટર જેટલું દૂધ આવે છે. તે દૂધ મંડળી એકઠું કરી બનાસડેરીમાં ભરાવે આવે છે. બનાસડેરી મંડળીને દર ૧પ દિવસે દૂધનું પેમેન્ટ ચૂકવે છે અને મંડળી તે દૂધનું પેમેન્ટ ગ્રાહકોને આપે છે.
જોકે તા.૧પ જાન્યુઆરી ર૦ર૪થી ૩૧ જાન્યુઆરી ર૦ર૪ તેમજ ૧ સપ્ટેમ્બર ર૦ર૪થી તારીખ ૧પ સપ્ટેમ્બર ર૦ર૪ના સમયગાળા દરમિયાન બનાસ ડેરીમાં ભરાવેલા દૂધનું પેમેન્ટ અંદાજિત ૧પ લાખ ડેરી દ્વારા દૂધ મંડળીમાં આપવામાં આવ્યું નથી.
જેના પગલે મંડળીમાં દૂધ ભરાવતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મંડળીના સંચાલક મંડળ દ્વારા અવાર નવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી પેમેન્ટ ચુકવવામાં આવ્યું નથી જેથી મંડળીના સંચાલક મંડળ અને પશુપાલકો પાલનપુર કલેકટર કચેરી ખાતે દોડી આવી ગ્રાહકોનું દૂધનું પેમેન્ટ ત્રણ દિવસમાં ચુકવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. જો ત્રણ દિવસમાં પેમેન્ટ ચૂકવવામાં નહીં આવે તો મંડળીના સભાસદો સાથે કલેકટર કચેરી ખાતે ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.