બેફામ બસ હંકારી યુવકનો જીવ લેનાર AMTSના ડ્રાઈવરને 15 મહિનાની કેદ
કોર્ટે આરોપીનું લાઈસન્સ પણ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો
(એજન્સી)અમદાવાદ, સીટીએમ વિસ્તારમાં બેફામ એએમટીએસ બસ હંકારી રસ્તો ક્રોસ કરતા યુવકને અડફેટે લઈ તેનું મૃત્યુ નિપજાવાના કેસમાં એએમટીએસ બસ ડ્રાઈવરને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સંદીપસિંહ જી.ડોડિયાએ ૧પ મહિનાની સજા ફટકારી છે જ્યારે કોર્ટે આરોપીનું લાઈસન્સ પણ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવા આદેશ કર્યો છે.
ઉપરાંત કોર્ટે ભોગ બનનારના પરિવારને વળતર પેટે પ લાખ રૂપિયા ચૂકવવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે આવા કિસ્સા વધી રહ્યા છે, આરોપી સામે કેસ પુરવાર થાય છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય. નરોડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ધુળાભાઈ નાડિયા એએમટીએસ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા.
૧૬ જૂન ર૦૧૮ના રોજ અશોકભાઈ સીટીએમ ખાતે એએમટીએસ બસ લઈ સાંજે ૬ઃ૩૦ વાગ્યે પસાર થઈ રહ્યા હતાયારે બસ ફૂલ સ્પીડમાં હતી અને તેણે રસ્તો ક્રોસ કરતા સુનમ રાહુલભાઈ દોલતાણી અને રાહુલ દોલતાણીને અકસ્માત કર્યો હતો. બસે કાબૂ ગુમાવતા ટ્રાફીક બુથ અને સ્ટ્રીટ લાઈટ તૂટી ગઈ હતી. આ ઘટના બાદ બન્નેને હોસ્પિટલ લઈ જવાયા હતા.
જ્યાં રાહુલનું મોત થયું હતું. આ મામલ અનિલભાઈ રામલાલજી પટેલે અશોકભાઈ નડિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી ચાર્જશીટ કરી હતી. જેમાં સરકારી વકીલે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, એએમટીએસ બસના ડ્રાઈવરો દ્વારા અવાર નવાર ભયજનક રીતે વાહન ચલાવી અકસ્માત કરવામાં આવે છે. આરોપીની ભૂલને કારણે એક નિર્દોષ વ્યક્તિનું મોત નિપજ્યું છે. આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે માટે યોગ્ય સજા કરવી જોઈએ.