AAPના પ્રદેશ ઉપ પ્રમુખ નાથા ઓડેદરા સહિત ૧૫નાં રાજીનામા
પોરબંદર, લોકસભા ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી છે, આ વચ્ચે અનેક નેતાઓના રાજીનામાં પડ્યા છે. હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા સહિત ૧૫ જેટલા સમર્થકો સાથે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટી ખોટી રીતે દબાણ કરતી હોવાનું કારણ દર્શાવ્યું છે. અહેવાલ અનુસાર, હવે તે કોંગ્રેસમાં જોડાય શકે છે.
રાજીનામું આપવા અંગે નાથા ઓડેદરા જણાવ્યું હતું કે,’અમારી ગુંડા વિરોધી ઝુંબેશ ચાલી રહી છે. આવા તત્વો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરીને જેલમાં નાખ્યા છે. ત્યારે એક વ્યક્તિને પાર્ટીમાંથી મે સસ્પેન્ડ કર્યો હતો. ત્યારે પાર્ટી તરફથી તેની સાથે સમાધાન કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. મે પાર્ટીને કહ્યું છે કે, કોઇપણ સંજોગોની અંદર ગુંડાગીરી સાથે આમ આદમી પાર્ટીનું કોઇ હશે તો અમારે પાર્ટી ભેગું નથી રહેવું.’
પોરબંદર બેઠક પરથી પેટા ચૂંટણી લડવાને લઈને નાથા ઓડેદરાએ જણાવ્યું કે,’આખા ગુજરાતમાં ગઠબંધન કરવામાં આવ્યું છે. ‘આપ’એ બે બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. તો ગુજરાત પ્રદેશના ઉપ પ્રમુખ તરીકે મને પણ પૂછવું જોઈએ. પોરબંદરની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની મારી તૈયારી હતી. તેથી મારી સાથે ૧૫ હોદ્દેદારોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા કરીશ અને આગળની રણનીતિ નક્કી કરીશ. જો કોંગ્રેસ તરફથી પોરબંદર બેઠક પરથી મને પેટા ચૂંટણી લડાવશે તો ચૂંટણી લડીશ.’