NIAના દરોડામાં ૧૫ શંકાસ્પદ આતંકી ઝડપાયા, ઘાટકોપર ટ્રેન બ્લાસ્ટનો આરોપી પણ જબ્બે
મુંબઈ, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) અને એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ સમગ્ર રાજ્યમાં ૪૪ સ્થળો અને કર્ણાટકમાં એક જગ્યાએ દરોડા પાડ્યા હતા.
જેમાં ૧૫ શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયત કરવામાં આવી છે. આ દરોડામાં ઘાટકોપર ટ્રેન બ્લાસ્ટના બે આરોપીની પણ ભાળ મળી હતી. ઘાટકોપર ટ્રેન બ્લાસ્ટના આરોપી સાકિબ નાચન અને તેના પુત્ર શમીન નાચનને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
અન્ય પકડાયેલા શકમંદો પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. જેના કારણે એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આઈએસઆઈએસના નેટવર્કને નષ્ટ કરવા માટે આ સમગ્ર ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
એનઆઈએના દરોડામાં મુંબઈ-પુણેમાં બે બાઇક ચોરની ધરપકડ કરવામાં આવી હતી.તેમની પૂછપરછમાં આઈએસઆઈએસના નેટવર્કનો ખુલાસો થયો હતો, ત્યારબાદ પુણે પોલીસે એટીએસને તપાસ સોંપી હતી.
જેમાં ખબર પડી કે આ કેસમાં એક મોટી અને જાણીતી વ્યક્તિ સંડોવાયેલી છે. ત્યાર બાદ આ સમગ્ર મામલો એનઆઈએને સોંપવામાં આવ્યો હતો.
ઘટનાની વિગતો જાણ્યા બાદ એનઆઈએએ આઈએસઆઈએસના નેટવર્કને નષ્ટ કરવાની કવાયત હાથ ધરી હતી.
તેમની યોજના મુજબ આજે વહેલી સવારથી મુંબઈ-પુણે, થાણે શહેર, થાણે ગ્રામીણ, ભાયંદર અને કર્ણાટકમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કર્ણાટકમાં ૧, પુણેમાં ૨, થાણે ગ્રામીણમાં ૩૧, થાણે શહેરમાં ૯ અને ભાયંદરમાં ૧ સહિત ૪૪ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
તેમજ ૧૫થી વધુ શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયત કરવામાં આવી છે.
આ શકમંદો પાસેથી સામગ્રી, દસ્તાવેજાે, બિનહિસાબી રોકડ, બંદૂકો અને અન્ય હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે અને વિસ્ફોટના મોટા કાવતરાને પણ નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે.
આ તમામ શંકાસ્પદ આરોપીઓને મુંબઈના પેડર રોડ સ્થિત એનઆઈએની ઓફિસમાં લાવવામાં આવશે, એમ જાણવા મળ્યું છે. SS2SS