SGVP દ્વારા ૧૫૧ લોકોને નિઃશુલ્ક કૃત્રિમ પગ અર્પણ કરાયા
(એજન્સી)અમદાવાદ, વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ તથા પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્મૃતિ મહોત્સવના ઉપક્રમે સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાપ્રતિષ્ઠાનમના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીની પ્રેરણાથી એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા દિવ્યાંગ સેવા યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં ૧૫૧ ભાઈ-બહેનોને નિઃશુલ્ક કૃત્રિમ પગ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ ઢોલરિયા સાહેબ, સાબરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા, ગાંધીનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલ, પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા ત્તા મુખ્ય યજમાન હર્ષદભાઈ પટેલ (સાઉથ આફ્રિકા), દકુભાઈ કસવાળા, રવિભાઈ ત્રિવેદી (કેનેડા), અશ્વિનભાઈ પટેલ (અમેરિકા)વગેરે મબાનુભાવો હાજર રહ્યા હતા.
દિવ્યાંગ પુરુષોનું ખેસ પહેરાવી અને પ્રસાદ આપીને ભાવપૂજન કરાયું હતું. એજ રીતે નયનાબહેન પટેલ, અંજલિબહેન ત્રિવેદીએ દિવ્યાંગ બહેનોનું ભાવપૂજન કર્યું હતું. આ પ્રસંગે બાલકૃષ્ણદાસજીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગોને કૃત્રિમ પગ અર્પણ કરતાં સંસ્થા ધન્યતા અનુભવે છે.
દિવ્યાંગોના હૃદયમાં બિરાજમાન ભગવાનનું આ ભાવપૂજન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ શબ્દ આપીને સૌને પ્રેરિત કર્યા છે. ભગવાનને દિવ્યાંગોના અન્ય અંગોમાં અપારશક્તિ આપી છે, માટે દિવ્યાંગોએ ક્યારેય પોતાને કમજોર ન સમજવા.