સિગ્નલ સ્કૂલનાં 153 બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો
૧૨ ઝોનની સ્કૂલના બાળકોને તજજ્ઞ રૂપાશંકર દ્વારા કૌશલ્યવર્ધન માટે માર્ગદર્શન અપાયું
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સત્તાવાળાઓ દ્વારા ‘ભિક્ષા નહીં, પણ શિક્ષા’ના ઉદ્દેશ સાથે ભિક્ષાવૃત્તિમાં સંકળાયેલાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. તંત્રના સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટને સારી એવી સફળતા મળી છે. દરમિયાન, સિગ્નલ સ્કૂલનાં ૧૫૩ બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને કૌશલ્યવર્ધન કર્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા સંચાલિત સિગ્નલ સ્કૂલના પ્રોજેક્ટમાં ભિક્ષા નહીં, પણ શિક્ષાના ઉદ્દેશ સાથે આપવામાં આાવતાં શિક્ષણમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ સુનીતા અગ્રવાલ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ એન.વી. અંજારિયા દ્વારા સતત માર્ગદર્શન આપવાનાં આવી રહ્યું છે.
જે અંતર્ગત તાજેતરમાં થલતેજ શાળા નં. ૨માં ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને અંગ્રેજી ઝોન, મણિનગર શાળા-૨માં દક્ષિણ ઝોન-૧, દક્ષિણ ઝોન-૨ અને હિન્દી ઝોન, ઓઢવ શાળા નં. ૩ માં પૂર્વ ઝોન, ઉત્તર ઝોન અને ઉર્દૂ ઝોન તથા એલિસ્રિજ શાળા નં. ૨ માં પશ્ચિમ ઝોન-૧, પશ્ચિમ ઝોન-૨ અને મધ્ય ઝોન એમ કુલ ૧૨ ઝોનની સિગ્નલ સ્કૂલના ૧૫૩ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી,
જેમાં બાળકોની રુચિ શાળામાં નિયમિત આવવા માટે કેળવાય અને તેમનો અભ્યાસ પ્રત્યેનો લગાવ વધે તે માટે ચિત્રકામ, ચિટકકામ, રમતગમત, સંગીત અને વાર્તાકથનના વર્ગનું આયોજન કરાયું હતું. તજજ્ઞ રૂપા શંકર દ્વાર ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડના અભિગમથી બાળકોને અત્યંત રસપ્રદ અને આનંદમય રીતે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે, જેમાં બાળકો ખૂબજ ઓછા સમયમાં તેમના પ્રત્યેના આત્મીય ભાવથી સામેલ થઈ રહ્યાં છે.