અમદાવાદમાં કોલેરાના ૧૬ કેસ કન્ફર્મ થયાઃ પાણીજન્ય રોગચાળો વકર્યો
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદમાં ગરમીની શરૂઆતની સાથે જ પાણીજન્ય રોગચાળામાં ચિંતાજનક હદે વધારો થયો છે શહેરમાં ઝાડા ઉલટી, કોલેરા, કમળો અને ટાઇફોઇડ જેવા જીવલેણ રોગના કેસ સતત વધી રહ્યા છે ખાસ કરીને દાણીલીમડા, જમાલપુર, બહેરામપુરા, સરસપુર, વટવા, લાંભા સહિતના વિસ્તારોમાંથી પાણીજન્ય રોગના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે.
અમદાવાદ શહેર વધુ એક વખત પાણીજન્ય રોગચાળો વકરી રહયો છે. શહેરમાં ચાલુ વર્ષ દરમ્યાન કોલેરાના ૧૬ કેસ કન્ફર્મ થયા છે. જે પૈકી બે કેસ છેલ્લા એક સપ્તાહમાં જ નોંધાયા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા અને જશોદાનગર વિસ્તારમાં કોલેરાના એક-એક કેસો નોંધાયા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે પાણીજન્ય રોગોમાં માર્ચ મહિનામાં ૧૭ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૩૩૬ જ્યારે ટાઇફોઇડના ૧૫૩ અને કમળાના ૫૭ જેટલાં કેસો નોંધાયા છે. શહેરમાં છેલ્લા એક મહિના દરમ્યાન મચ્છરજન્ય રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડેન્ગ્યુના ૧૦ અને મેલેરિયાના ૦૯ કેસો નોંધાયા છે.
ચાલુ વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના કુલ ૯૭ કેસ નોંધાયા છે. જે પૈકી મોટાભાગના કેસ દક્ષિણ અને પૂર્વઝોનમાં કન્ફર્મ થયા છે. જે વિસ્તારમાં પાણીજન્ય રોગો વધ્યા છે ત્યાં પાણીના સેમ્પલ લેવાની અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષ દરમિયાન ૨૦૧૩ જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ૩૨ સેમ્પલ અનફિટ આવ્યા છે.