અમદાવાદ શહેર – જિલ્લામાં 16 લાખથી વધુ ઘર-ઇમારતો પર તિરંગો લહેરાવાશે
હર ઘર તિરંગા – અમદાવાદ જિલ્લો-13થી 15 ઑગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં યોજાશે હર ઘર તિરંગા અભિયાન
હર ઘર તિરંગા અભિયાન થકી લોકોમાં રાષ્ટ્રભાવનાને બળવત્તર બનાવવા માટે સમગ્ર તંત્ર કટિબદ્ધ
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે સમગ્ર દેશમાં 13થી 15 ઑગસ્ટના દિવસોમાં દરેક ઘર પર તિરંગો લહેરાય એવી રાષ્ટ્રભાવના સાથે ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારના નેતૃત્વમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનર
તથા જિલ્લાના અધિકારીઓની એક વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી. 21મી જુલાઈના રોજ યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદ જિલ્લાના કલેક્ટરશ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, અધિક નિવાસી કલેક્ટર શ્રી પરિમલભાઈ પંડ્યા તથા અમદાવાદ રુરલના એસપી શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સહિતના અધિકારીઓ જોડાયા હતા.
આ વિડિયો કોન્ફરન્સમાં અમદાવાદ જિલ્લા માટે 16 લાખથી વધારે ઘરો પર તિરંગો લહેરાવવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકા વિસ્તારમાં 11 લાખથી વધારે ઘરો અને ઇમારતો પર તિરંગા લહેરાવવાનું આયોજન છે તો ગ્રામ્ય વિસ્તારોમાં 5,08,228 ઘરો અને ઇમારતો પર તિરંગો લહેરાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
કલેક્ટરશ્રી સંદીપ સાગલેએ વિડિયો કોન્ફરન્સ બાદ ઉપસ્થિત અધિકારીઓને આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ પ્રયાસો કરવાની સૂચના આપી હતી. કલેક્ટરશ્રીએ અમદાવાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હર ઘર તિરંગા માટે લોકજાગૃતિ ઊભી કરવા માટે સેલ્ફી પોઇન્ટ ઊભા કરવાથી માંડીને વિવિધ સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, સંગઠનો તથા સામાજિ-ધાર્મિક સંસ્થાઓનો સહયોગ મેળવીને નિર્ધારિત લક્ષ્યને હાંસલ કરવાની તાકીદ કરી હતી.
વિડિયો કોન્ફરન્સ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલિયાએ અમદાવાદના 77માંથી તૈયાર થયેલા 20થી વધારે અમૃત તળાવો પર ફ્લેટ પોસ્ટ બનાવીને તિરંગો લહેરાવવાના આયોજનની જાણકારી આપી હતી તેમજ તંત્રની તૈયારીઓની વિગતો જણાવી હતી.
અમદાવાદ રુરલના એસપી શ્રી વીરેન્દ્રસિંહ યાદવે સ્વાતંત્ર્ય દિવસના ઉપલક્ષ્યમાં ત્રણ સ્થાનો પર યોજાનાર પરેડની જાણકારી આપવા ઉપરાંત સોશિયલ મીડિયા સહિતના માધ્યમો દ્વારા પ્રચાર-પ્રસાર કરવાની વાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વિડિયો કોન્ફરન્સમાં રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનમાં જણાવાયું હતું કે રાજ્યમાં 13થી 15 ઑગસ્ટ દરમિયાન કુલ એક કરોડ ઘર-ઇમારતો પર તિરંગા લહેરાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. 50 લાખ તિરંગા શહેરી વિસ્તારમાં તો 50 લાખ તિરંગા રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં લહેરાવવાનું આયોજન છે.
સરકાર દ્વારા તિરંગાનું વિતરણ કરાશે તો સાથે સાથે રાષ્ટ્રપ્રેમી જનતાને પણ જાતે તિરંગા ખરીદીને પોતાના ઘરે તિરંગો લહેરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. લોકો સ્વયંભૂ પોતાના ઘરે તિરંગો લહેરાવીને રાષ્ટ્રભાવના વ્યક્ત કરવામાં જરાય પાછળ નહીં પડે, એવા વિશ્વાસ સાથે સમગ્ર વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાનને જ્વલંત સફળતા અપાવવા માટે પ્રતબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.