Western Times News

Gujarati News

AMCના 168 વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ભગવાન ભરોસે

File PHoto

ઓપરેશન મેઈન્ટેનન્સની મુદત પૂર્ણ છતાં કોન્ટ્રાક્ટ યથાવત્‌ઃ જવાબદાર અધિકારીની રહેમનજરે દર મહિને રૂ. ૯૬ લાખનો થઈ રહેલ ધુમાડો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પાે.માં અધિકારી રાજ ચાલી રહ્યું છે તેવા આક્ષેપ સતત થતાં રહે છે કેટલાક કિસ્સામાં આવા આક્ષેપ સાચા હોય તેમ પણ લાગી રહ્યું છે. મ્યુનિ. કોર્પાેરેટરો કમિટિ ચેરમેનો કે હોદ્દેદારો ગમે તેટલા બુમ બરાડા કરે પરંતુ અધિકારીઓ માત્ર તેમની મનમાની જ કરે છે આ પ્રકારનો ચોંકાવનારો કિસ્સો મ્યુનિ. વોટર ઓપરેશન વિભાગમાંથી બહાર આવ્યો છે જેમાં ટેન્ડર મુદતો પૂર્ણ થયા બાદ પણ છેલ્લા એક દોઢ વર્ષથી જુના કોન્ટ્રાક્ટ જ ચાલી રહ્યા છે. મ્યુનિ. વોટર ઓપરેશન વિભાગ દ્વારા આ માટે ત્રીજી વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં પાણીની લગભગ ૨૪૦ જેટલી ટાંકીઓ છે આ તમામ ટાંકીઓ ઓપરેટ કરવા માટે વોટર ઓપરેશન વિભાગ તરફથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. સામાન્ય નિયમ મુજબ કોન્ટ્રાક્ટ કે ટેડરની મુદત પૂર્ણ થવા આવે તેના ત્રણ મહિના અગાઉ જ નવા ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી બને છે પરંતુ વોટર ઓપરેશન વિભાગમાં આવા કોઈ નિયમો લાગુ પડતાં ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

મ્યુનિ. વોટર ઓપરેશન વિભાગમાં જાન્યુઆરી-૨૦૨૨થી મે-૨૦૨૩ સુધી લગભગ ૧૬૮ ટાંકીઓના કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ૨૦૨૨માં જે વો.ડી. સ્ટેશનના કોન્ટ્રાક્ટ પુરા થયા છે તેના માટે છેક મે ૨૦૨૩માં કમિટીમાં કામ લાવી એક્સટેન્શન લેવામાં આવ્યા હતા તેમાં પણ ચુંટાયેલી પાંખ અને પ્રજાજનો ઉપર ઉપકાર કરતાં હોય તેમ ‘નવા ટેન્ડર જાહેર ન થાય ત્યાં સુધી’ તેવી શરત રાખવામાં આવી છે.

જેનો સીધો મતલબ એ થાય છે કે વોટર ઓપરેશન વિભાગના વડા તેમની ઈચ્છા મુજબ કોઈપણ કોન્ટ્રાક્ટરના કામ ચાલુ રાખી શકશે અને તેમની મરજી મુજબ જ ટેન્ડર જાહેર કરશે. જ્યાં સુધી નવા ટેન્ડર જાહેર ના થાય ત્યાં સુધી જૂના કોન્ટ્રાક્ટરોને દર મહિને રૂ. ૯૬ લાખ ચૂકવવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, મ્યુનિ. વોટર ઓપરેશન વિભાગ દ્વારા પ્રથમ વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. તે સમયે વર્તમાન કોન્ટ્રાક્ટરોએ કોઈ જ રસ દાખવ્યો ન હતો. ત્યારબાદ બીજી વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું જેમાં એક પણ પાર્ટી ક્વોલીફાય થઈ ન હતી. તેમ છતાં તત્કાલીન ઉચ્ચ અધિકારી તેમની માનીતી કંપનીને કોન્ટ્રાક્ટ આપવા તત્પર હતા. પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી.

ત્યારબાદ નવા અધિકારી આવતાં તેમણે ત્રીજી વખત ટેન્ટર તૈયાર કર્યું છે પરંતુ ડે.મ્યુનિ. કમિશનર કક્ષાએથી હજુ સુધી તેની ફાઈલ ઉપર સહી કરવામાં આવી નથી. પ્રથમ બે વખત ટેન્ડર જાહેર થયાં ત્યાં સુધી જવાબદાર અધિકારીઓ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પણ લેવામાં આવી ન હતી તેમજ કોન્ટ્રાક્ટરો તરફથી પણ લેખીત સંમતી મળી ન હતી. તેમ છતાં આ તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સક્ષણ સત્તાની મંજૂરી વગર ચલાવવામાં આવ્યા હતા.

અહીં ચોંકાવનારી બાબત એ છે કે, જોધપુરના ૨૪ કલાક પાણી પ્રોજેક્ટમાં પી.દાસ ઈન્ફાના કોન્ટ્રાક્ટની મુદત જાન્યુ. ૨૦૨૨માં પૂર્ણ થઈ ગઈ હતી તેમ છતાં નવા ટેન્ડર જાહેર કરવામાં દોઢ વર્ષ કરતાં વધુ સમયનો વિલંબ કરવામાં આવ્યો છે. અહીં એક બાબત ઉડીને આંખે વળગે છે કે ૨૪૦ ટાંકીઓમાં ગણ્યા ગાંઠ્યા પાંચ છ કોન્ટ્રાક્ટર જ કામ કરી રહ્યા છે જે ૧૬૮ ટાંકીઓની મુદત પૂર્ણ થઈ છે તેમાં માત્ર માના ટેકનોને અંદાજે ૫૦ ટાંકીઓના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.