Western Times News

Gujarati News

17 ફેબ્રુઆરીએ આંગણવાડી અને પ્રી સ્કૂલ શરૂ કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય

અમદાવાદ, ગુજરાત સરકારે ગત સપ્તાહે ધોરણ 1થી 9ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યા બાદ હવે બાળમંદિર અને આંગણવાડી શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો છે.

સરકારના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધીને કહ્યું કે, રાજ્યમાં શિક્ષણકાર્ય કોરોના પૂર્વે લઈ જવા સરકાર કટિબધ્ધ છે. બાળમંદિર, આંગણવાડી અને પ્રી-સ્કૂલ ગુરૂવારથી ફરી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.

કોરોનાકાળ બાદ પ્રથમ વખત નાના ભૂલકાંઓ ફરી શાળાએ જશે અને જીવનઘડતરની સાથે હવે શિક્ષણઘડતર પણ શરૂ કરશે. જોકે સરકારે SOP અંતર્ગત નાના બાળકોને પણ શાળાએ મોકલવા માટે વાલીઓની સંમતિ ફરજિયાત રાખી છે.

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે આંગણવાડી અને પ્રિ સ્કૂલો બંધ રહેતા રાજ્યના ભૂલકાઓને ખૂબ મોટો લર્નિંગ લોસ થયો છે. જેને ધ્યાને રાખીને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડી અને પ્રી સ્કૂલો પુનઃ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

આગામી તા. 17 ફેબ્રુઆરી, ગુરૂવારથી રાજ્યભરના આંગણવાડી અને પ્રી સ્કૂલના સંચાલકો કોરોનાની નિયત એસ.ઓ.પીના ચુસ્ત પાલન તથા વાલીના સંમતિ પત્ર સાથે ભૂલકાઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કરી શકશે તેમ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

મંત્રી વાઘાણીએ કહ્યું કે, રાજ્ય સરકાર ભૂલકાંઓના આરોગ્યની સાથે શિક્ષણની પણ ચિંતા કરી રહી છે. તેથી જ તેમના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ રહેતા બાળકોને ખૂબ મોટું શૈક્ષણિક નુકસાન થયું છે જેને દૂર કરવા રાજ્ય સરકાર ચિંતિત છે.

મંત્રી વાઘાણી ઉમેર્યું કે, બાળકો બાલમંદિર/ પ્રી સ્કૂલ કે આંગણવાડીમાં અભ્યાસ ન કરી શક્યા હોવાથી ધોરણ-1માં પ્રવેશ લેતા બાળકોનો શૈક્ષણિક પાયો નબળો ન રહી જાય તેની સરકાર ચિંતા કરી રહી છે અને તે માટે જ તેમને થયેલો લર્નિંગ લોસ દૂર કરવા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.