અમદાવાદમાં બિલ્ડરોને ત્યાં દરોડામાં 1700 કરોડના જમીનના દસ્તાવેજ જપ્ત
બિલ્ડરો પરના દરોડામાં મોટી ગેરરીતિનો ખુલાસો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના બિલ્ડરો પરના દરોડામાં મોટી ગેરરીતિનો ખુલાસો થયો હતો. શહેરના શીપરમ, સેલડિયા, અવિરત ગ્રુપ પર આઇટીએ દરોડા પાડ્યા હતા. ઇન્કમ ટેક્સ વિભાગે ૧૭૦૦ કરોડના જમીનના દસ્તાવેજાે જપ્ત કર્યા હતા. વિદેશી ફંડનું રોકાણ જમીનોમાં કર્યુ હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો હતો.
નોંધનીય છે કે આવક વેરા વિભાગે અમદાવાદના ૪૦ સ્થળે શીપરમ ગ્રુપ, સેલડિયા ગ્રુપ અને અવિરત ગ્રુપના બિલ્ડરો અને બોકર તેમજ શરાફી પેઢીની ઓફિસ અને રહેઠાણે દરોડા પાડ્યા હતા. બિલ્ડર ગ્રુપના રહેઠાણ, ઓફિસ અને વચેટીયાના ત્યાંથી ૧૭૦૦ કરોડની જમીન ખરીદીના દસ્તાવેજ મળી આવ્યા છે. જેમાં સૌથી મોટુ રોકાણ શીપરમ ગ્રુપના બિલ્ડર ત્રિકમભાઈ પટેલ અને તેમના ભાગીદારોનું હોવાનો પર્દાફાશ થયો છે.
અવિરત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના બિલ્ડરો કનુભાઈ પટેલ, ક્રેડાઈ-ગાહેડના વાઈસ પ્રેસિડેન્ટ સંદિપ પટેલની ઓફિસ અને રહેઠાણે તપાસ કરી હતી. શીપરમ સ્કાય ગ્રુપના બિલ્ડર ત્રિકમ પટેલ, ધર્મેન્દ્ર પટેલ અને અનિલ પટેલની ઓફિસ તેમજ રહેઠાણ ઉપરાંત અન્ય ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
ઓગણજમાં મોચાપાયે સ્કીમ બનાવનાર શીપરમ સ્કાય ગ્રુપના બિલ્ડરો ત્રિકમભાઇ પટેલ,ધમેન્દ્ર પટેલ અને અનિલ પટેલને ત્યાં તપાસ કરી હતી. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સેલડિયા ગ્રુપના બિલ્ડરની જજીસ બંગલો ચાર રસ્તા નજીક બોડકદેવ વિસ્તારમાં આવેલી ઓફિસ અને ગ્રુપના બિલ્ડર અરવિદ સેલડિયા, આદિત્ય સેલડિયા,ચિરાગ અને વિપુલભાઇને ત્યાં તપાસ કરીને દસ્તાવેજાે જપ્ત કરાયા હતા.
બીજી તરફ અમદાવાદના વસ્ત્રાપુરમાં પીસીબીએ દરોડા પાડી ૧૧ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી રત્નમણી એપાર્ટમેન્ટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસે દરોડા પાડ્યા હતા અને ૧૧ જુગારીઓને ૧૩ લાખ ૮૭ હજાર રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા.