Western Times News

Gujarati News

ભાવનગરમાં 1660 કરોડના 175 એમ.ઓ.યુ. થયા

વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમને સાંપડ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

ભાવનગર ખાતે તારીખ ૧૩ અને ૧૪ ઓક્ટોબર દરમિયાન ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર’  કાર્યક્રમનું ભવ્ય  આયોજન કરાયું છે. આ કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે. આ હેતુ ભાવનગરમાં સાર્થક થયો છે.

વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ વિભાગોમાં સેક્ટર વાઈઝ વિવિધ ઉદ્યોગો દ્વારા રૂ. ૧૬૬૦ કરોડના ૧૭૫ જેટલા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.

રાજ્ય કક્ષાએ યોજાતા વાઇબ્રન્ટ કાર્યક્રમને સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ લઈ જવાનો એક જન કલ્યાણનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે. જે થકી જિલ્લા કક્ષાએ વિવિધ સેગમેન્ટની પેદાશોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટે તેમજ રોકાણ માટે નવી દિશા મળી રહી છે.

ભાવનગરમાં વિવિધ રોકાણો લાવવા માટે ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ’ હેઠળ વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે ૧૭૫ એમ.ઓ.યુ. થતા આગામી સમયમાં અંદાજે ૨૨ હજારથી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થશે.

આ તકે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગના ૯૩ કરોડ, કેમીકલના ૪૮ કરોડ, એન્જિનિયરિંગ ૬૫ કરોડ, હેલ્થ કેર ૧૭ કરોડ, મિનરલ બેઝડ ૯ કરોડ, અન્ય ૩૧ કરોડ, સ્ટીલ કાસ્ટ લી. ૨૫૬ કરોડ, હેરાલ્ડ ગ્રુપ ૭૫ કરોડ, પટેલ કન્ટેનર ૪૯ કરોડ, તેમજ ભાવનગર મ્યુનિસિપાલિટીના કન્સસ્ટ્રકશનના ૧૦૧૪ કરોડ ના આમ કુલ અંદાજે ૧૬૬૦ કરોડના એમ. ઓ. યુ. કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ઉદ્યોગકારો તેમજ સ્ટાર્ટ અપ કરતા લોકો માટે વિવિધ વિષયો પર સેમિનાર અને પ્રેઝન્ટેશન, ઉદ્યોગકારો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ઓપન હાઉસ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ પેદાશો માટે પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.