18 લાખ લોકોએ શ્રાવણમાં સોમનાથ દર્શન લહાવો લીધો: 5 કરોડથી વધુની આવક
વેરાવળ:સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ યાત્રિકોની સંખ્યામાં ઉતરોતર વધારો થતો હોય છે. આ વર્ષે વરસાદને લીધે સોમનાથમાં યાત્રિકોનો શરૂઆતમાં ખુબ ઓછો રહ્યા બાદ જન્માષ્ટમીનાં તહેવારોમાં ભારે ભીડ ઉમટી પડી હતી. આ વખતે શ્રાવણ માસ દરમ્યાન 18 લાખથી વધુ ભાવિકોએ રૂબરૂ આવી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં. જ્યારે વિશ્વભરમાંથી કુલ 4 કરોડ 59 લાખ લોકોએ પોતપોતાના મોબાઇલ ફોનમાં સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા. જેમાં 4 કરોડ લોકોએ ફેસબુક, 23 લાખે ટ્વીટર અને 36 લાખ ભાવિકોએ ઈન્સ્ટાગ્રામ થકી દર્શનનો લાભ લીધો. જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફોટો અને લાઈવ આરતી ભાવિકોને સૌથી વધુ આકર્ષતી જોવા મળી છે.
વાહન પાર્કીંગ વિભાગમાંથી રૂ. 11 લાખથી વધુની આવક સોમનાથ મહાદેવ મંદિરને શ્રાવણમાસમાં રૂ. 5 કરોડ 89 લાખની આવક થઇ છે. જેમાં પૂજાવિધી, પ્રસાદ, અતિથીગૃહોની આવક, વગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર માસમાં 2 કરોડ 13 લાખ રૂપિયાનો લાડુ અને ચિકીનો પ્રસાદ ભાવિકોએ શિવ પ્રસાદી રૂપે ભેટ ધરીને લીધો. આ ઉપરાંત સોમનાથના વાહન પાર્કીંગ વિભાગમાંથી રૂ. 11 લાખથી વધુની આવક થઇ. આમ મંદિરને વર્ષ દરમિયાન સૌથી વધુ શ્રાવણ માસમાં આવક રહે છે. હવે દિવસે દિવસે સોમનાથ મહાદેવનાં રૂબરૂ દર્શનની સાથો સાથ લોકો મોબાઈલ પર બેઠા બેઠા રોજેરોજ દર્શન કરતા થયા છે.