Western Times News

Gujarati News

73 કિલોમીટર લંબાઇના પાઇપલાઇન નેટવર્કથી રાજકોટ જિલ્લાના 12 તળાવો જોડવામાં આવશે

રાજકોટ જિલ્લાના વિંછીયામાં સૌની યોજના લિંક-૪ના 181 કરોડના કામોનું ખાતમુહૂર્ત-૨૩ ગામોની ૪૫ હજારથી વધુ જનસંખ્યાને પીવાના પાણીની અને ૫૬૭૬ એકર વિસ્તારને સિંચાઈ સુવિધા મળતી થશે

વિંછીયામાં કુલ રૂ. ૩૩૭ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો સમારોહ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર તા.૧૬મી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-૪ના પેકેજ-૯ના રૂ.૧૮૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાંથી ચોમાસા દરમિયાન ઓવરફ્લો થઈને નદીમાં નિરર્થક વહી જતા વધારાના નીરને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચાડવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ બહુહેતુક સૌની યોજના શરૂ કરાવેલી છે.

આ યોજના અન્વયે ૪ લિંક પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયોમાં નર્મદા જળના સંગ્રહનું આયોજન છે. તદઅનુસાર લિંક-૪ દ્વારા પાછલા ૪ વર્ષમાં રાજકોટ જિલ્લાના જસદણ, વિંછીયા, ગોંડલ અને કોટડાસાંગાણી એમ ૪ તાલુકાના ૩૭ ગામોના ૧૫૫ ચેકડેમ, ૧૪ તળાવ અને ૭ જળાશયમાં કુલ મળીને ૪૪૩૫ મિલિયન ક્યુબિક ફીટ (MCFT) પાણીનો જથ્થો ફાળવવામાં આવેલો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિથી સાકાર થયેલી સૌની યોજનામાં તબક્કાવાર ૧૩૧૩ કિલોમીટરની પાઈપલાઈન નાંખવામાં આવી છે અને અંદાજે ૭૭૪૩૦ એમસીએફટી પાણી ૮૫ જળાશયો, ૧૭૦ ગામ તળાવો તથા ૧૩૧૯ ચેકડેમોમાં પૂરું પાડવામાં આવ્યું છે. આના પરિણામે સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૧ જિલ્લાઓમાં સાડા છ લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો થયો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જેનું ખાતમુહૂર્ત કર્યુ છે તે લિંક-૪ના પેકેજ-૯ દ્વારા અંદાજે ૭૩ કિલોમીટર લંબાઇના પાઇપલાઇન નેટવર્કથી ૧૨ તળાવને જોડવામાં આવશે. એટલું જ નહિ, ૨૩ જેટલા ગામોની ૪૫ હજારથી વધુ જનસંખ્યાને પીવાનું પાણી અને ૫૬૭૬ એકર વિસ્તારને સિંચાઈનું પાણી આ યોજના સંપન્ન થવાથી મળતું થવાનું છે.

રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શુક્રવારે સવારે ૧૦-૦૦ કલાકે વિંછીયા એપીએમસી નજીક યોજનારા આ વિકાસ ઉત્સવમાં મુખ્યમંત્રીશ્રી રૂ. ૧૩૯ કરોડના ખર્ચે સાકાર થનારી બે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત તેમજ રૂ. ૯ કરોડના ખર્ચે નવનિર્મિત આઈ.ટી.આઈ., રૂ. ૨.૧૧ કરોડના નવા બસ મથકની વિકાસ ભેટ પણ આપશે.

રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ સર્વશ્રી કુંવરજીભાઈ બાવળીયા, બલવંતસિંહ રાજપૂત, શ્રીમતી ભાનુબહેન બાબરીયા તથા રાજ્યમંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં ૨૧૪ દિવ્યાંગજનોને રૂ. ૨૮.૯૪ લાખના સી.એસ.આર. ફંડથી ૩૭૨ જેટલા સાધન સહાય અપાશે. આ ઉપરાંત વિચરતી જાતિના ૧૩૩ જેટલા લાભાર્થીઓને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ પણ થવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.