૧૮ર ધારાસભ્યોને બે-બે બદામ મોકલવામાં આવી
ડીસા, સરકારે ગૌશાળા અને પાંજરાપોળને પ૦૦ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કર્યા બાદ હજુ સુધી ન ચૂકવાતાં ગૌશાળા સંચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જેમાં બનાસકાંઠાના ડીસામાં સંચાલકોએ ૧૮ર ધારાસભ્યોને સંદેશ સાથે બે બે બદામ મોકલી સહાય ચુકવવાનું ભુલી ગયેલી સરકારને યાદ કરાવવાનો પ્રયાસ કર્યો છે.
ગૌશાળા અને પાંજરાપોળને પ૦૦ કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કર્યા બાદ હજી સુધી સરકારે એક પણ પૈસો આપ્યો નથી. જેથી સંચાલકો દ્વારા રોજ અલગ અલગ રીતે સરકારને જગાડી સહાય મેળવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જે અંતર્ગત ડીસામાં ગૌશાળાના સંચાલકોએ દરેક ધારાસભ્યને બે-બે બદામ સાથે સંદેશો મોકલવાનું શરૂ કર્યું છે.
સરકાર જાહેરાત કર્યા બાદ સહાય આપવાનું ભુલી ગઈ છે. ત્યારે આ બે બદામ ખાઈને સરકારને ફરી સહાય આપવાનું યાદ આવે અને ગૌશાળાને તાત્કાલિક સહાય ચૂકવે તે માટે ગૌશાળાના સંચાલકોએ અનોખો પ્રયાસ કર્યો છે.