ગોધરાના કોટડા ગામે ચાંદીપુરા વાયરસ ફેલાવતી ૧૯ માખી મળી
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) હાલમાં ગુજરાતમાં ચાંદીપુરામ વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગોધરા તાલુકાના કોટડા ગામે ચાર વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરામ વાઈરસના કારણે મોત થયું હતું.
જ્યાર બાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીના ઘરમાં સર્વે કરતાં તેના ઘરમાંથી ૪ સેન્ડ ફ્લાય માખી મળી આવી હતી. જ્યારે પડોશીઓના ઘરમાંથી પણ ૧૫ સેન્ડ ફ્લાય મળી આવી હતી. આમ કુલ મળી ૧૯ સેન્ડ ફ્લાયને પુના ખાતેની લેબમાં રીપોર્ટ માટે મોકલી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સેન્ડ ફ્લાય કરડવાથી ચાંદીપુરા નામનો વાઈરસ ફેલાય છે. ખાસ કરીને આ વાઈરસ ૭ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને પોતાની ચપેટમાં લે છે.
ગોધરા તાલુકાના કોટડા ગામે ચાર વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરામ વાઈરસને લઈને જિલ્લા આરોગ્યના ડો. બીપીન પટેલે જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લાની આરોગ્યની ટીમ દ્વારા કોટડા ગામમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ ચાંદીપુરામ વાઈરસના લીધે ભોગ બનનાર બાળકીના ઘરેથી ચાર જેટલી સેન્ડ ફ્લાય મળી આવી હતી. જ્યારે આજુબાજુના મકાનોમાંથી ૧૫ જેટલી સેન્ડ ફ્લાય મળી આવી હતી એટલે અંદાજે ૧૯ જેટલી સેન્ડ ફ્લાયને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવી છે.
બાળકીને સારવારની વધુ જરૂર હોવાથી વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી અને સીરમ સેમ્પલ એકત્ર કરીને દ્ગૈંફ પુણે ખાતે મોકલી આપવામાં આવ્યાં છે. ત્યારે ગત મોડીરાત્રે બાળકીની તબિયત વધારે બગડતાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી,
પરંતુ સારવાર લે એ પહેલાં તો બાળકીનું ગત રાત્રે શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના લીધે મોત થયું હતું. વડોદરા એસએસજી હોસ્પિટલ દ્વારા બાળકીના મૃતદેહને તેનાં પરિવારજનોને સુપરત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પરિવારજનો બાળકીના મૃતદેહને લઈને ગોધરા તાલુકાના કોટડા ગામે પહોંચ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરા તાલુકાના કોટડા ગામે રહેતી ચાર વર્ષીય બાળકીનું મોત શંકાસ્પદ ચાંદીપુરામ વાઇરસના લીધે થયું છે એ રિપોર્ટ બાદ જ જાણવા મળશે, એવું પંચમહાલ જિલ્લાના આરોગ્ય વિભાગના દ્વારા જણાવવામાં આવ્યું હતું.