ઉ.મેક્સિકોમાં બસ-ટ્રક ટકરાતાં ૧૯નાં મોત થયા, ૧૮ ઘાયલ
માજાતલાન, ઉત્તર મેક્સિકોમાં એક હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓછામાં ઓછા ૧૯ લોકોએ જીવ ગુમાવ્યાંની માહિતી મળી રહી છે. જ્યારે ૧૮થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાની જાણકારી મળી છે. રાજ્યના નાગરિક સુરક્ષા કાર્યાલયના નિર્દેશક રોય નવરેટેએ કહ્યું કે આ અકસ્માત પોર્ટની નજીકના શહેર માજાતલાનની નજીક એલોટા ટાઉનશિપમાં સર્જાયો હતો.
માહિતી અનુસાર ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતનું સાચું કારણ હજી સુધી સામે આવ્યું નથી. તેના માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બસમાં લગભગ ૩૭ લોકો સવાર હતા. ઘટનાસ્થળની તસવીરો જાેતાં લાગે છે કે બંને વાહનો બળીને રાખ થઈ ગયા હતા.
આ મામલે પોલીસે કહ્યું કે અમને આશંકા છે કે વધારે પડતી સ્પીડ, બસમાં ખામી કે પછી ડ્રાયવરના થાકને કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. આ દુર્ઘટના ઉત્તર મેક્સિકોના નોર્થ વેસ્ટર્ન સિનાલોવા રાજ્યમાં સર્જાઈ હતી. દુર્ઘટના બાદથી નેશનલ હાઈવે પર વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી હતી. SS2SS