Western Times News

Gujarati News

મૃતક બહેનના ન્યૂડ ફોટા વાઈરલ કરવાની બીક બતાવી રૂ.૧૯ લાખની ખંડણી પડાવી

ગાંધીનગરના યુવાનને અલગ-અલગ ૬૪ નંબર પરથી ધમકીઓ આપી ર૧ર ટ્રાન્ઝેકશન કરાવ્યાં

ગાંધીનગર, સોશિયલ મીડિયાના વધી રહેલા પ્રભાવથી પ્રાઈવસી સામે જોખમ ઉભું થયું છે. સોશિયલ મીડિયા થકી બદનામી થવાનો ડર વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકયો હોવાનું દર્શાવતો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ગાંધીનગરના કુડાસણ ખાતે રહેતા યુવાનને તેની મૃતક બહેનના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી રૂ.૧૯.૮૦ લાખની ખંડણી વસૂલવામાં આવી છે.

મૂળ પોરબંદરના ર૩ વર્ષીય યુવાનની મોટી બહેન વર્ષ ર૦૦૯માં રાજકોટ ખાતે કન્યાશાળામાં અભ્યાસ કરવા ગઈ હતી. એમ.કોમ. બી.એડ સુધીના અભ્યાસ બાદ યુવતીએ રાજકોટની એક ખાનગી શાળામાં નોકરી શરૂ કરી હતી. રાજકોટમાં યુવતી ભાડાના મકાનમાં રહેતી હતી. ડિસેમ્બર- ર૦ર૩માં તેણે કોઈ કારણોસર ઝેરી દવાના ટીકડાં ખાઈને આપઘાત કરી લીધો હતો.

આપઘાતની તપાસ દરમિયાન સુસાઈડ નોટ મળી ન હતી. જેથી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો, પરંતુ ફરિયાદ દાખલ થઈ ન હતી. ર૩ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ યુવાનના વોટ્‌સઅપ ઉપર તેની બહેનના ન્યૂડ ફોટોગ્રાફસ અજાણ્યા નંબર પરથી આવ્યા હતા. આ ન્યૂડ ફોટોગ્રાફ યુવકના સગા સંબંધીઓના નંબર વાયરલ કરવાની ધમકીઓ આપી ખંડણી માંગવામાં આવી હતી.

પોતાની બહેનના આવા ફોટોગ્રાફસ જોઈને યુવાન આઘાતમાં સરી પડ્યો હતો. તેણે મૃતક બહેનની બદનામી ન થાય તે માટે યુવાને નાણાં ચુકવી આપ્યા હતા. ત્યારબાદ અલગ અલગ ૬૪ નંબરો પરથી વોઈસ કોલ અને મેસેજીસ કરી રૂપિયાની ખંડણી માંગવાનો સિલસિલો શરૂ થયો હતો.

પરિવારની બદનામી ન થાય તે માટે યુવાને મિત્રો તથા સગા સંબંધીઓ પાસેથી હાથઉછીના રૂપિયા પોતાના એકાઉન્ટમાં લીધા હતા. અલગ અલગ ૬૪ નંબરો પરથી કહેવામાં આવે એ મુજબના એકાઉન્ટમાં યુપીઆઈ આઈડીથી નાણાં ટ્રાન્સફર કર્યા હતા.

૧૮ માર્ચ ર૦ર૪ થી ૧૦ મે ર૦ર૪ સુધીમાં યુવાને કુલ ર૧ર ટ્રાન્જેકશનથી ૧૯ લાખ ૧૮ હજારથી વધુની રકમ અજાણ્યા શખ્સોના કહેવા મુજબ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આખરે પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનો અહેસાસ થતાં યુવાને પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને રજૂઆત કરી હતી. પોરબંદર પોલીસ મથકમાંથી ઝીરો નંબરથી દાખલ થયેલી ફરિયાદ બાબતે ગુનો નોંધી ઈન્ફોસિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.