19000 કરોડના વિકાસ કામોને 910 દિવસમાં સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કર્યા
ગાંધીનગર લોકસભા માં રૂ.૧૦ હજાર કરોડના ખર્ચે વિકાસના ૬૮૧ કામ થશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકાની ૩૭મી સ્ટેન્ડિંગ કમિટીની મુદત આગામી નવ સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહી છે. મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ૯૧૦ દિવસના કાર્યકાળ દરમ્યાન મળેલી કુલ ૧૩૯ સ્ટેન્ડિંગ કમિટી મિટીંગોમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના કામો દ્વારા શહેરના અવિરત વિકાસને આગળ ધપાવવાનો પ્રયાસ થયો છે.
વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ની અઢી વર્ષની ટર્મ દરમ્યાન શહેરમાં અંદાજીત કુલ રૂા. ૧૯,૦૦૦ કરોડથી વધુના ખર્ચે અંદાજીત ૧૪૩૮ વિકાસલક્ષી મંજુર કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ સ્ટેન્ડિંગ કમિટીના તેમના કાર્યકાલ દરમ્યાન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રૂા. ૧૦,૦૦૦ કરોડથી વધુના કુલ ૬૮૧ કામો, પૂર્વ લોકસભા વિસ્તારમાં રૂા. ૬૨૮૪ કરોડથી વધુના ૪૯૨ કામો અને પશ્ચિમ લોકસભા વિસ્તારમાં રૂા. ૩૪૭૪ કરોડથી વધુના ૨૬૫ કામો મંજુર થયા છે.
અમદાવાદ શહેરના વિકાસ માટે હાથ ધરવામાં તેમજ શહેરીજનોના હિત માટે મહત્વનાં ર્નિણયો લેવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની મુદત દરમ્યાન અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં ગ્યાસપુર ખાતે ૫૦૦ એકરમાં જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ ગુજરાતનું મોટું જંગલ સફારી હશે.આ ઉપરાંત રૂ. ૧૨૦૦ કરોડથી વધુના ખર્ચે ખારીકટ કેનાલનું નવિનીકરણ, રૂ. ૬૩૨ કરોડના ખર્ચે નારણપુરા ખાતે ઓલમ્પીક કક્ષાનું સ્પોર્ટ સંકુલ, રૂ. ૬૦૦ કરોડથી વધુનાં ખર્ચે શેઠ એલ.જી. અને શારદાબેન હોસ્પિટલનું નવિનિકરણ, શહેરના વિવિધ વોર્ડોમાં વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવા માટે રૂ. ૪૦૦ કરોડ, રૂ. ૨૭૪ કરોડથી વધુના ખર્ચે ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ,
રૂ. ૨૨૨ કરોડનાં ખર્ચે પિરાણા ખાતે સુએજ ટ્ર્રીટમેન્ટ પ્લાન્ટ, રૂ. ૧૫૯ કરોડના ખર્ચે સાબરમતી રીવર ફ્રન્ટ ફેઝ-૨ ના ડેવલપમેન્ટની કામગીરી, રૂ. ૧૫૭ કરોડના ખર્ચે નવા સમાવિષ્ટ વિસ્તારો માટે સરદાર પટેલ રીંગ રોડની સમાતંર પીવાના પાણીની પાઈપ લાઈનો નાંખવાનું કામ, રૂ. ૧૪૦ કરોડના ખર્ચે ગોતા-ગોધાવી કેનાલના નવિનિકરણ, રૂ. ૧૨૦ કરોડના ખર્ચે આશ્રમ રોડથી વિવિધ વિસ્તારો થઈ
સાબરમતિ રીવર ફ્રન્ટ સુધી ડ્રેનેજ ટ્રંક લાઈન, રૂ. ૧૦૦ કરોડના ખર્ચે વાસણા વોર્ડમાં અંજલી ફ્લાય ઓવર બ્રિજનું કામ, રૂ.૧૦૦ કરોડથી વધુનાં ખર્ચે કોતરપુર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂ. ૩૮ કરોડથી વધુના ખર્ચે વસ્ત્રાલ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, રૂ. ૧૦ કરોડથી વધુનાં ખર્ચે થલતેજ ખાતે પી.પી.પી. ધોરણે નવા કોમ્યુનીટી હેલ્થ સેન્ટરની કામગીરી પ્રગતિમાં છે.
પ્રધાનમંત્રીના હાઉસિંગ ફોર ઓલના સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસરૂપે શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કુલ રૂ. ૯૩૫ કરોડથી વધુના ખર્ચે આવાસો બનાવવાના કામો શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લાં ૨ વર્ષમાં ૮ હજારથી વધુ આવાસોનાં લોકાર્પણ કરી લાભાર્થીને આવાસો સુપ્રત કરેલ છે
જયારે ૭૯૦૦ જેટલા આવાસોનાં ખાતમુહૅત કરેલ છે જેની કામગીરી હાલ ચાલૂ છે.શહેરના ઓછી આવક ધરાવતા લોકો ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર કરી શકે તે માટે મહાનગપાલિકાએ ચાલૂ વર્ષે ૬૧ ચો.મી. ના ૨૫૦૦ જેટલા એલ.આઇ.જી. આવાસોનુ આયોજન કરેલ છે જે શહેરના પૂર્વ વિસ્તારમા ૫૩૨ આવાસો માટે રૂ.૧૦૭ કરોડના ટેન્ડર મંજુરીની પ્રક્રિયામા છે.
શહેરમાં આવેલ તળાવોનું ઇન્ટર લીંકીંગ કરી બ્યુટીફિકેશન માટે તળાવોનો વિકાસ કરવાના કામ અન્વયે નિકોલ ગામ તળાવ, શકરી તળાવ, સોલા તળાવ, ગોતા તળાવ, થલતેજ તળાવ, શીલજ, છારોડી અને ત્રાગડ તળાવ જેવા વિવિધ તળાવો ડેવલપ કરવાના કામ હાલ ચાલુ છે.
રૂ.૯૦ કરોડથી વધુનાં ખર્ચે ૫૧ આધુનિક સ્માર્ટ શાળાઓનું નિર્માણ કરવામાં આવેલ છે વર્ષ ૨૧-૨૨ દરમ્યાન ૭ લાખ જેટલા કરદાતાઓને ૪૦ ચો.મી. થી ઓછા ક્ષેત્રફળ વાળી મિલ્કતોમાં ૧૦૦% ટેક્સ માફી આપી હતી.વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન ૭૦ ચો.મી.સુધીની રહેણાંકની તમામ મિલ્કતોમાં ૨૫% ટેક્સ માફી આપવાનો ઐતિહાસિક ર્નિણય કરવામાં આવ્યો હતો.
જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન શહેરના રહેંણાક તથા બીનરહેણાંક મિલ્કત ધારકો માટે વ્યાજની રકમમાં ૧૦૦% રીબેટ આપવાનો પ્રજાલક્ષી ર્નિણય કરવામાં આવ્યો હતો તેમ તેમને વધુમાં જણાવ્યું હતું.