બાવળા તાલુકાના કેશરડી, દેવધોલેરા અને દહેગામડા ખાતે ૧૯૬ બાળકોને કરાવડાવ્યો શાળાપ્રવેશ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨નો પ્રારંભ-સકારાત્મક વાતાવરણમાં બાળક અનેરા ઉત્સાહ સાથે શાળાએ આવે છેઃ સુશ્રી આર્દ્રા અગ્રવાલ
સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨ અંતર્ગત વસ્તીગણતરી અને નાગરિક નોંધણી નિયામક શ્રી આર્દ્રા અગ્રવાલ(IAS)ની ઉપસ્થિતિમાં બાવળા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. બાવળા તાલુકાના કેશરડી, દેવધોલેરા અને દહેગામડા ગામની પ્રાથમિક શાળાઓમાં ધોરણ -૧ અને આંગણવાડીમાં બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો. 196 children enrolled in Keshardi, Devdholera and Dahegamda of Bavala taluka
કેશરડીમાં ૫૨ કુમાર અને ૩૧ કન્યા , દેવધોલેરામાં ૪૦ કુમાર અને ૨૮ કન્યા , દહેગામડામાં ૨૩ કુમાર અને ૨૨ કન્યા મળીને કુલ ૧૯૬ બાળકોને ધોરણ-૧માં શાળાપ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેશરડીમાં ૪૩, દેવધોલેરામાં ૨૬, દહેગામડામાં ૨૪ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન સંબોધન કરતાં IAS આર્દ્રા અગ્રવાલે જણાવ્યું કે, કોરોનાકાળ પછી યોજાઈ રહેલ શાળા પ્રવેશોત્સવ ખરા અર્થમાં મોટો ઉત્સવ છે. કપરી પરિસ્થિતિમાં પણ શિક્ષણકાર્ય યથાવત્ રાખનાર સૌ શિક્ષકો પ્રશંસાને પાત્ર છે. વધુમાં, તેઓએ ઉમેર્યું કે, ૨૦૦૩ બાદ શાળા પ્રવેશોત્સવ દ્વારા ભૂલકાંઓના શાળા પ્રવેશની વ્યાખ્યા બદલાઈ છે. આજે પ્રવેશોત્સવ થકી સકારાત્મક વાતાવરણમાં બાળક અનેરા ઉત્સાહ સાથે શાળાએ આવે છે. આવા આનંદમય વાતાવરણમાં થતો ભૂલકાંઓનો શાળા પ્રવેશ તેઓનો તેમજ અન્ય બાળકોનો ઉત્સાહ વધારે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
સુશ્રી આર્દ્રા અગ્રવાલે આ પ્રસંગે શિક્ષણની ગુણવત્તા અને ગુણોત્સવ રિપોર્ટ કાર્ડ અંગે શાળાઓના શિક્ષકગણ સાથે પરામર્શ કરીને સલાહ-સૂચન મેળવ્યાં અને માર્ગદર્શન પૂરું પડ્યું હતું તેમજ શાળાઓને શૈક્ષણિક ઉપલબ્ધિઓ અંગે અભિનંદન આપ્યા હતા. તેઓએ ગામના વાલીઓને કન્યાઓને ફરજિયાત શિક્ષણ અપાવવા માટે અપીલ કરી.
આ પ્રસંગે શાળાઓમાં ભૂલકાંઓનું બેગ, પુસ્તકો અને શિક્ષણ કિટ આપીને સ્વાગત કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પાછલા વર્ષમાં ધોરણ ૧ થી ૮માં પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય, સંગીત અને વ્યાયામ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ગામોમાં શિક્ષણ ક્ષેત્રે મદદરૂપ થનારા દાતાઓ અને અન્ય ગ્રામજનોને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ધારાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી કવિતાબહેન મહેશ્વરી, શાળાના આચાર્ય, શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.