1990 ઉમેદવારોને ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂકપત્ર એનાયત કરાયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા કુલ 1990 ઉમેદવારોને આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મોકલવામાં આવેલ શુભેચ્છા સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય વડાપ્રધાનશ્રીએ નવનિયુક્ત ઉમેદવારોને સરકારી સેવામાં જોડાઈને દેશસેવા કરવાના અવસર બદલ અભિનંદન પાઠવવાની સાથોસાથ સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવામાં સહાયક બની ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્ત ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્રને અનુસરીને લોકસેવામાં કાર્યરત રહેવાની પ્રેરણા આપી હતી. તેમણે યુવા ઉમેદવારોને જનકલ્યાણ તેમજ વિકાસના માર્ગે ચાલી ‘વિકસિત ભારત @ 2047’ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.