Western Times News

Gujarati News

મહીસાગર જિલ્લા સેવાસદન બાળકોના કલરવથી ગુંજી ઉઠયું

સમર કેમ્પમાં ભાગ લીધેલ બાળકોએ કલેક્ટર ડો.મનીષકુમારની શુભેચ્છા મુલાકાત લીધી.

જીલ્લા કલેક્ટર ડો.મનીષકુમારએ બાળકો સાથે સંવાદ કરી બાળકોની વાતો સાંભળી.

લુણાવાડા ખાતે યોજાયેલ ત્રી દિવસીય સમર કેમ્પનું સમાપન

ગોધરા,ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરા અને મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે લુણાવાડાની વેદાંત સ્કૂલ ખાતે તા ૧૬ થી ૧૮ મે સુધી ત્રિદિવસીય સમર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ બાળકોને રસ પડે તે રીતે વૈજ્ઞાનિક પ્રયોગો, અંધશ્રધ્ધા નિવારણ, એડવેન્ચર, પ્રકૃતિ શિક્ષણ સાથે વિશિષ્ટ રમતો રમાડવામાં આવી હતી.

વેકેશનના સમયગાળા દરમ્યાન વિદ્યાર્થીઓને મળતાં સમયમાં તેમનું કૌશલ્ય વિકશેતે માટે સાયન્સ વર્કશોપ રાખવામાં આવ્યો હતો. વર્કશોપમાં વિવિધ તજજ્ઞો દ્વારા ગણિત-વિજ્ઞાન ટેકનોલોજી-એન્જીનીયરીંગ અને સાહસિક પવૃતિ જેવા વિષયોને પ્રાયોગિક રીતે પોતાની જાતે મોડલ બનાવી વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સમજે અને કૌશલ્યનો વિકાસ થાય તે હેતુસર પ્રાયોગિક નિર્દશન કરવામા આવ્યુ હતુ.

આ કેમ્પના સમાપન દિવસે બાળકોએ મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર  ડો. મનીષકુમાર સાથે મુલાકાત કરી. બાળકોએ જિલ્લા કલેકટર  સાથે સંવાદ સાધી વૃક્ષોના  ઉછેર તેમજ નદી તળાવોમાં પ્રદૂષણ અંગે તેઓએ નજરે નિહાળેલી સમસ્યાઓ રજૂ કરી તેમજ તેઓના બાળમાનસમાં નીપજેલા સમસ્યા નિવારણ અંગેના ઉપાયો રજુ કર્યા.

જિલ્લા કલેકટર એ ખૂબ ખુશી સાથે બાળકો દ્વારા રજુ થયેલ ગીત સહિત વિવિધ રજૂઆતો અને વાતોને સાંભળી હતી. કલેકટર ની ઓફિસ અને જિલ્લા  સેવા સદનમાં બાળકોનો કલરવ ગુંજ્યો હતો. જિલ્લા કલેકટર ના હસ્તે બાળકોને ચોકલેટ સાથે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરાના ડો સુજાઅતવલીના માર્ગદર્શનમાં  આયોજિત આ સમર કેમ્પમાં  પ્રોફેસર સત્યમ જોષી દ્વારા અંધશ્રધ્ધા નિવારણ પ્રયોગો વિવિધ રમતો, સાયન્ટીફિક હેન્ડ્ઝોન એક્ટિવીટી એક્સપર્ટ શાનુભાઈ દલવાડી, એડવેન્ચર અને ટ્રેકિંગ મયુર પ્રજાપતિ, જંગલ પરિભ્રમણ, પક્ષી દર્શન, મુકુંદ પંચાલ, પાવર માઇન્ડ ગેમ અબ્બાસભાઇ દ્વારા આઉટડોર એકટીવિટી કરવામાં આવી. કેમ્પમાં ૭૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.

 તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.