૧ તારીખનું મતદાન ભારતને સુરક્ષિત બનાવવાનું હશે : શાહ

જાફરાબાદ, ગુજરાત એસેમ્બલી ઇલેક્શન ૨૦૨૨ઃ કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં ભળવાનો સિલસિલો યથાવત છે. ભાજપની જાફરાબાદમાં યોજાયેલી અમિત શાહની જનસભામાં કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં ભળ્યા છે. ગુજરાત કાૅંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી બાબુ રામે કેસરીયો ખેસ ધારણ કર્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે બાબુ રામે ખેસ ધારણ કર્યો. ઉલ્લેખનીય છે કે બાબુ રામ આહીર સમાજના અગ્રણી છે. બાબુ રામે ગઈકાલે કાૅંગ્રેસને રામ રામ કર્યા હતા અને ત્યારબાદ અમિત શાહની હાજરીમાં ભાજપમાં ભળ્યા હતા.
અમરેલીના જાફરાબાદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે બંને પાર્ટીઓને ગુજરાત વિરોધી ગણાવી હતી. અમિત શાહે મેધા પાટકર મુદ્દે રાહુલ ગાંધી અને કેજરીવાલને ઘેર્યા હતા, તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ગુજરાતના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરે છે. તેઓ પોતાની યાત્રામાં મેધા પાટકરને સાથે લઈને ચાલે છે. જ્યારે અરવિંદ કેજરીવાલે તો ગુજરાત વિરોધી મેધા પાટકરને ચૂંટણીની ટિકિટ પણ આપી હતી.
તેમણે કહ્યું કે- સૌરાષ્ટ્ર વિરોધી મેધા પાટકરને પ્રજા ક્યારેય માફ નહીં કરે. તેમજ તેમણે ઉમેર્યું હતું કે ૧ તારીખનું મતદાન ભારતને સુરક્ષિત બનાવવાનું હશે. તમારો એક મત માત્ર ૨૦૨૨ નહીં, પરંતુ ૨૦૨૪ જીતાડવાનો મત હશે તો વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી આવ્યા તે પહેલા સૌરાષ્ટ્રમાં ક્યાંય ૨૪ કલાક વીજળી આવતી નહોતી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કાયદા- વ્યવસ્થાની પરિસ્થિતિ પહેલા કેવી હતી તે સૌ કોઈ જાણે છે.
વધુમાં અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં શાંતિ અને સલામતી લાવવાનું કામ ભાજપ સરકારે કર્યું. ભાજપ સરકારે સમગ્ર ગુજરાતમાંથી માફિયાઓને સાફ કર્યા. હવે ગુજરાતમાં એક જ દાદા છે અને તે છે હનુમાન દાદા. તો વધુમાં કહ્યું કે, નર્મદા યોજનાના કારણે સમગ્ર ગુજરાતમાં પાણી પહોંચ્યુ છે.