2 લાખ લોકો માટે વિનામૂલ્યે આરોગ્ય શિબિર યોજવા બદલ ડૉ. કે. સુધાકર ફાઉન્ડેશનને વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો
કેટલીક મેડિકલ કૉલેજો અને હોસ્પિટલોની સાથે ભેગા મળીને આરોગ્ય મંત્રી સુધાકરના ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલી આ પ્રકારની આ સૌપ્રથમ વિનામૂલ્યે આરોગ્ય શિબિર છે
વર્લ્ડ બૂક ઑફ રેકોર્ડ્સે ડૉ. કે. સુધાકર ફાઉન્ડેશનને 14 અને 15મેના રોજ એક વિશિષ્ટ પ્રકારની મહા નિઃશૂલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવા બદલ વર્લ્ડ રેકોર્ડ એનાયત કર્યો છે, જેમાં લગભગ 2 લાખ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. આ શિબિર ‘બૃહદ આરોગ્ય તપાસ અને ચિકિત્સા મેલા’ તરીકે ઓળખાય છે,
જે આર્થિક રીતે નબળા વર્ગોમાંથી આવતાં દર્દીઓને નિઃશૂલ્ક પરામર્શ, ટેસ્ટિંગ, નિદાન અને સારવાર પૂરી પાડશે. ચિક્કબલ્લાપુર વહીવટીતંત્ર સાથે સંકલન સાધી કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા તબીબી શિક્ષણ વિભાગના સહયોગમાં ડૉ. કે. સુધાકર ફાઉન્ડેશન દ્વારા આ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
કર્ણાટકના આરોગ્ય અને તબીબી શિક્ષણ બાબતોના મંત્રી ડૉ. કે. સુધાકરે આ મેળાના ઉદ્ઘાટન વખતે વાત કરતી વખતે જણાવ્યું હતું કે, ‘શરૂઆતમાં મને આશા હતી કે, 25,000થી 30,000 લોકો આ મેળામાં આવશે પરંતુ મને જાણકારી મળી છે કે ઓનલાઇન રજિસ્ટ્રેશન મારફતે અત્યાર સુધીમાં 1.5 લાખ લોકો નોંધણી કરાવી ચૂક્યાં છે.’
આ એક વિશિષ્ટ પ્રકારની શિબિર છે, જેનું આયોજન કરવા માટે ઘણી સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ આગળ આવી હોવાથી આ શિબિર શક્ય બની છે. આ પહેલને સમર્થન પૂરું પાડવા માટે 22 ખાનગી હોસ્પિટલો, 13 ખાનગી લેબોરેટરીઓ, 18 મેડિકલ કૉલેજો, 8 સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલો, 15 આંખની હોસ્પિટલો, 6 આયુષ સંસ્થાઓ અને 10 ડેન્ટલ કૉલેજોની સાથે દક્ષિણ કર્ણાટકમાંથી 100થી વધારે ખ્યાતનામ સંસ્થાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. કુલ 1500 ડૉક્ટરો, 1500 નર્સ, 1000 લેબ ટેકનિશિયનો અને પેરા મેડિકલ સ્ટાફ આ શિબિરમાં હાજર રહેશે.
આ શિબિરમાં ચેપી અને બિન-ચેપી રોગો સહિત આંખો, કાન, દાંત, ચામડી, હાડકાં, હૃદય, ફેફસા, ડાયાબિટીસ, જનરલ સર્જરી, કેન્સર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ વિકારો, લીવર, ન્યુરોલોજી અને માનસિક આરોગ્ય સંબંધિત કોઇપણ પ્રકારની સર્વસામાન્ય બીમારીઓની તપાસ કરવામાં આવશે અને તેની સારવાર કરવામાં આવશે. એટલું જ નહીં, દવાઓ પણ સ્થળ પર જ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આથી વિશેષ, જે દર્દીઓને આંખોના ચશ્મા અને ચોકઠાંની જરૂર હશે તેમને તે પણ પૂરાં પાડવામાં આવશે.
ડૉક્ટરો દ્વારા સૂચવ્યાં મુજબ તપાસ હાથ ધરવા માટે સ્થળ પર જ બ્લડ ટેસ્ટ, ટુડી ઇકો, ઇસીજી, મેમોગ્રામ અને અલ્ટ્રાસાઉન્ડ જેવા ઉપકરણોને ઇન્સ્ટોલ કરવામાં આવ્યાં છે.
ઉદ્ઘાટન વખતે વાત કરતાં મંત્રી સુધાકરે જણાવ્યું હતું કે, જે દર્દીઓને સર્જરી કરાવવા જેવી વધુ સારવારની જરૂર હશે તેમને રેફરલ્સ આપવામાં આવશે અને તેમની ભવિષ્યની તમામ સારવાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
ડૉ. કે. સુધાકર મુજબ આ પ્રકારની શિબિર યોજવાનો નિર્ણય તેમણે અત્યંત ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવતાં અનેક લોકો સાથેના તેમના અંગત અનુભવો પછી લીધો હતો, જેમાં તેમને આરોગ્ય સારવારની સુલભતાની સમસ્યા સમજાઈ હતી.
ડૉ. સુધાકરે જણાવ્યું હતું કે, ‘મારા પિતા ખેડૂત હતા અને શિક્ષક પણ હતા, આથી તેઓ તંદુરસ્ત હતા અને મારા માતા પણ. હું તો ઘરનો સર્જન હતો અને છતાં મને તેમના કોઈ ટેસ્ટ કરાવવાની જરૂરિયાત લાગી નહોતી કારણ કે તેઓ તંદુરસ્ત જણાતા હતાં. એક દિવસે મારા માતા મંદિરે ગયાં હતાં અને મને ખબર પડી કે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો છે.
ત્યાં નજીકમાં કોઈ હોસ્પિટલ નહોતી અને તેમને બેંગ્લુરુ અથવા અહીં ચિક્કબલ્લાપુરમાં આવેલી હોસ્પિટલમાં લાવવા માટે અમારે 1 કલાકનું અંતર કાપવું પડે તેમ હતું. કમનસીબે અમે તેમને ગુમાવી દીધાં. આથી મારે સૌને વિનંતી છે કે ટેસ્ટ કરાવી લો અને બેદરકાર ન રહેશો.’
આ કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન શ્રી નિર્મલાનંદનાથ સ્વામીજી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી બી. એલ. સંતોષ અને કર્ણાટકના સ્મોલ-સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન બાબતોના મંત્રી એમ. ટી. બી. નાગરાજ ઉપસ્થિત રહ્યાં હતા. સભાને સંબોધતા શ્રી બી. એલ. સંતોષે આરોગ્ય મંત્રી સુધાકરને હોસ્પિટલો અને સ્થાનિક મઠોની મદદથી આ જ પ્રકારની આરોગ્ય શિબિરો કર્ણાટકના તમામ જિલ્લાઓમાં યોજવા માટે સૂચવ્યું હતું.