2 લાખ સબસ્ક્રાઈબર ઘટતા Netflixના શેરમાં 25%નું ગાબડું

નવી દિલ્હી, OTT પ્લેટફોર્મ અને સ્ટ્રીમિંગ ટેલિવિઝન સર્વિસ પ્રોવાઈડર નેટફ્લિક્સ(Netflix)ના શેરમાં ફરી એક વખત મોટી અફરાતફરી જોવા મળી છે. કંપનીના 2 લાખ સબ્સ્ક્રાઇબર્સ ઘટતા શેરમાં મસમોટું ગાબડું જોવા મળ્યું છે.
એક દાયકામાં પ્રથમ વખત આ ઘટના બની છે કે કંપનીએ સબ્સ્ક્રાઇબર(Subscriber) ગુમાવ્યા હોય. કંપનીએ 2022ના પ્રથમ ત્રિમાસિકગાળામાં તેના સબ્સ્ક્રાઇબર્સમાં ઘટાડાની જાહેરાત કરતા શેર ગબડ્યો છે. જોકે કંપનીએ આ ઘટાડા પાછળ યુક્રેન પર મોસ્કોના આક્રમણને જવાબદાર ઠેરવ્યું છે. રશિયામાં તેની સેવા સ્થગિત કરાતા સબ્સ્ક્રાઇબર્સમાં ત્રિમાસિક ધોરણે આ ઘટાડો જોવા મળ્યો છે.
જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકગાળાના અંતે કંપની પાસે કુલ 221.6 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ હતા.
સિલિકોન વેલી ટેક ફર્મે તાજેતરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 1.6 અબજ ડોલરની આવક દર્શાવી હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 1.7 અબજ ડોલર હતી. પરિણામો બાદ Netflixના શેર લગભગ 25 ટકા ઘટીને 262 ડોલરની આસપાસ પહોંચ્યા હતા.
અર્નિંગ કોલ લેટરમાં કંપનીએ સ્વીકાર્યું કે અમે ઈચ્છતા હતા તેટલી ઝડપથી આવક નથી વધી રહી. 2020માં કોરોના અને 2021માં બીજી કોરોનાની લહેરોને કારણે અમારી આશાવાદી વૃદ્ધિ હાંસલ કરી શક્યાં નથી.
એપલ અને ડિઝની પાસેથી ભારે સ્પર્ધાને પગલે નેટફ્લિક્સે ગત વર્ષે શેરિંગ એકાઉન્ટની સુવિધા શરૂ કરી હતી, જેમાં જે-તે યુઝર્સ થોડા વધુ પૈસા આપીને અન્ય કોઈ વ્યક્તિને પોતાનું એકાઉન્ટ વાપરવાની પરવાનગી આપી શકે છે.