પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ: પાંચ જિલ્લાના 2.14 લાખ વિદ્યાર્થીઓ કુલ રૂ. 16.62 કરોડથી વધુની શિષ્યવૃત્તિ ચૂકવાઈ
રાજ્યના તમામ વર્ગના વિદ્યાર્થીઓનો એકસમાન શૈક્ષણિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિકસતી જાતિના ધો. 1થી 8માં ભણતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના કાર્યરત છે.
આ યોજના અંતર્ગત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર-દાહોદ, અમરેલી, ભરૂચ, છોટાઉદેપુર અને વલસાડ-આ પાંચ જિલ્લામાં મંજૂર કરાયેલી 2,13,903 અરજીઓની સામે કુલ રૂ. 16,62,49,150/- આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.
રાજ્યમાં તા. 31-12-2022ની સ્થિતિએ છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં વિકસતી જાતિના ધો.1થી 8ના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી શિષ્યવૃત્તિની વિગતો રજૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત દાહોદ જિલ્લામાં કુલ 49,798 અરજીઓ મળી હતી. જે તમામ મંજૂર કરવામાં આવી હતી અને તેની સામે રૂ. 3,79,63,000ની સહાય ચૂકવવામાં આવી હતી.
આ જ રીતે અમરેલી જિલ્લામાં પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે મળેલી તમામ 73,865 અરજીઓ મંજૂર કરી, કુલ રૂ. 5,59,90,000ની સહાય ચૂકવવામાં આવી હતી. જ્યારે ભરૂચ જિલ્લામાં તમામ 48,318 અરજીઓ સામે કુલ રૂ. 3,97,93,000ની સહાય ચૂકવાઈ હતી. બીજી તરફ, છોટાઉદેપુર જિલ્લામાં મળેલી 12,110 અરજીઓ પૈકી 12,079 અરજીઓ મંજૂર કરીને રૂ. 94,16,150ની સહાય ચૂકવવામાં આવી હતી. જ્યારે વલસાડ જિલ્લામાં 29,843 અરજીઓ મંજૂર કરીને રૂ. 2,30,87,000ની સહાય ચૂકવવામાં આવી હોવાની વિગતો વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી.