ફેકટરી સસ્તામાં અપાવવાના બહાને વેપારી સાથે ૨.૩૫ કરોડની છેતરપિંડી
અંકલેશ્વર હાઈવે ઉપર UPL કંપનીની બાજુમાં આવેલ કેમિકલની ફેકટરી વેચાણમાં આવેલ છે. આ ફેકટરીમાં રોકાણ કરવાનું કહી રૂપિયા ૨ કરોડનું રોકાણ કરાવ્યું હતુ.
સુરત, સહારા દરવાજા તિરુપિત સ્કેવરમાં જમીન લે-વેચની તેમજ ટેક્ષટાઈલના ધંધાની અોફિસ ધરાવતા નિમર્લકુમાર જૈન તેમજ તેના સંબંધીઅોને અંકલેશ્વર હાઈવે ઉપર બેન્ક દ્વારા ટાચમાં લેવામાં આવેલ કેમિકલ ફેકટરી સસ્તામાં અપાવાને બહાને અંકલેશ્વર ખાતે રહેતા મિત્રએ રૂપિયા ૧ કરોડ તેમજ નફાના રૂપિયા ૧.૩૪ કરોડ મળી કુલ રૂપિયા ૨.૩૫ કરોડ પરત નહી કરી છેતરપિંડી કરી હતી.
અલથાણ વી.આઈ.પી રોડ શ્યામ બાબા મંદિર પાસે સ્વીમ પેલેસમાં રહેતા મૂળ રાજસ્થાનના જોધપુરના વતની નિર્મલકુમાર નથમલ જૈન (ઉ.વ.૫૮) સહારા દરવાજા તિરુપતિ સ્કેવરમાં નિર્મલ કોર્પોરેશન તથા રજત સિલ્ક મીલ્સના નામથી જમીન લે- વેચ તથા ટેક્સટાઈલને લગતુ કામકાજ કરે છે. જયારે તેની પત્ની મધુબેન રિંગરોડ ઉપર ટેક્સટાઈલ માર્કેટમાં મધુ એજન્સીના નામથી ટેક્ષટાઈલ્સની દલાલીનો ધંધો કરે છે.
સન ૨૦૧૯માં નિમર્લકુમાર જૈનને તેમના મિત્ર હસ્તીસિંઘ નારયાણસીંઘ રાજપુરોહિત (ભરુચ અંકલેશ્વર ભડકાદરા નંદનવન સોસાયટી)ની પત્ની, જમાઈ નિતીન જૈન, વેવાઈ અશોક જૈન તથા દાનમલ જૈન સાથે ઓળખાણ કરાવી હતી. જે વખતે હસ્તીસિંઘે પોતે ભરૂચ અને અંકલેશ્વર ખાતે જય ભવાની સ્વીટના નામથી મીઠાઈ બનાવી વેચાણ કરવાની દુકાન અને
વડોદરા મકરપુરા એરફોર્સ સ્ટેશન સામે જીઆઈડીસીમાં અલ્ધીયમ મોટર્સ પ્રા.લી નામથી હુન્ડાઈ કારની ડીલરશીપ અને તેના પોતે એડિશનલ ડીરેકટર્સ તથા જમીન લે-વેચનો ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. ધંધામાં વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્ન ઓવર થાય છે. પોતે કરોડોની રકમની જમીન, મકાન લે-વેચનો ધંધો કરતા હોવાથી અનેક બેંકના મેનેજરો સાથે તેમની સારી ઓળખાણ છે.
બેન્ક દ્વારા લોનના હપ્તાની ભરપાઈ નહી કરી હોય તેવી મિલ્કત વેચાણ હરાજી માટે આવતી હોવાની રજુઆતો કરી મિલ્કત સસ્તામાં મળે છે આવી જ એક મિલકત અંકલેશ્વર હાઈવે ઉપર UPL કંપનીની બાજુમાં આવેલ કેમિકલની ફેકટરી વેચાણમાં આવેલ છે. આ ફેકટરીમાં રોકાણ કરવાનું કહી રૂપિયા ૨ કરોડનું રોકાણ કરાવ્યું હતુ. જેમાં નફા પેટે રૂપિયા ૧,૩૪,૪૬,૨૬૮ આપવાની વાત કરી હતી.
જેની સામે ચેકો આપ્યા હતા સમય જતા આ ચેકો નિર્મલકુમારે બેન્કમાં જમા કરાવતા રિટર્ન થયા હતા. ત્યારબાદ હસ્તીસિંઘ પાસે પૈસાની માગણી કરવા છતાંયે પરત નહી આપી મુદલ રકમ તેમજ નફાના મળી કુલ રૂપિયા ૨,૩૫,૪૬,૨૬૮ના મતાની છેતરપિંડી કરી હતી.
જેથી વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હસ્તીસિંઘ નારાયણસીઘ રાજપુરોહિત (ઘર નંબર બી – ૧૦ નંદનવન સોસાયટી ભડકાદરા અંકલેશ્વર ભરૂચ) અને અલ્ધીયમ મોર્ટસ પ્રા.લીના એડીશનલ ડીરેકટર્સ (૯૮૬/૩૧ જીઆઇડીસી એરફોર્સ સ્ટેશન સામે મકરપુરા વડોદરા) સામે ઠગાઈનો ગુનો નોંધી તપાસ આદરી છે.