પત્નીની જાણ બહાર પતિએ પત્નીને ગેરંટર બનાવી ૨.૫૪ કરોડની લોન લીધી
બેંકોની નોટીસ આવતા સમગ્ર બાબત ધ્યાનમાં આવી
(એજન્સી)અમદાવાદ,બોડકદેવ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરૂદ્વ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. જેમાં પતિએ પત્નીની જાણ બહાર અલગ અલગ નાણાંકીય સંસ્થાઓ પાસેથી કુલ રૂપિયા ૨.૫૪ કરોડ રૂપિયાની માતબર રકમની લોન લઇ લીધી હતી અને પત્નીને ગેરંટર બનાવી હતી. જેથી બેંકોની નોટીસ આવતા સમગ્ર બાબત ધ્યાનમાં આવી હતી. જે અંગે વસ્ત્રાપુર પોલીસે પતિ વિરૂદ્વ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર બનાવની વિગત એવી છે કે વસ્ત્રાપુર લાડ સોસાયટીમાં આવેલા દેવાણી એપાર્ટમેન્ટમાં રહેતા ૪૧ વર્ષીય રાધાબેન થાનકીના લગ્ન રાજેશ થાનકી સાથે ૧૯૯૯માં થયા હતા અને સંતાનમાં એક દીકરી અને દીકરો છે. લગ્ન જીવન દરમિયાન તેના પતિના આડા સંબધ અંગેની જાણ થતા તેણે કોર્ટમાં કેસ કર્યો હતો.
જે બાદ રાજેશ થાનકી અલગ રહેતો હતો. ગત ૨૪મી ફેબ્રુઆરીએ રાધાબેનને ત્યાં ઇન્ડઇન્ડ બેંકની નોટીસ આવી હતી. જેમાં ૧૧.૬૮લાખની બાકી લોન અંગેનો ઉલ્લેખ હતો. જે બાદ ઇન્ડઇન્ડ બેંકની વધુ બે નોટિસ આવી હતી. એકમાં ૨૫.૩૪ લાખની અને ૨૫.૪૨ લાખની બાકી લોનનો ઉલ્લેખ હતો.
જે અંગે બેંકમાં જઇને તપાસ કરી ત્યારે રાધાબેન ચોંકી ગયા હતા, કારણ કે તેમનું નામ લોનના ગેરંટર તરીકે હતું અને આ લોન તેમના પતિ રાજેશ થાનકીએ સિંધુ ભવન બ્રાંચમાંથી લોન લીધી હતી.
જે બાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, ફ્લુટોન ઇન્ડિયા ક્રેડીટમાંથી પણ અલગ અલગ નોટિસ આવી હતી. આમ કુલ ૧૧ નોટિસમાં તેને કુલ ૨.૫૪ કરોડની રકમ ભરવાની બાકી હતી. જે અંગે પોલીસે ગેરંટરની ખોટી સહીનો ફોરેન્સીક રિપોર્ટ મેળવીને રાજેશ થાનકી વિરૂદ્વ ગુનો નોંધ્યો હતો.