Western Times News

Gujarati News

દાહોદ પોલીસે એક હોટલ પર બસ રોકાવી અને બાળકીનું અપહરણ કરનારો ઝડપાયો

સુરત પોલીસે દાહોદ પોલીસનો ત્વરીત સંપર્ક કરી અઢી વર્ષની અપહરણ કરાયેલી બાળકીને બચાવી લીધી-મહિલાઓએ સુરત પોલીસના કર્મચારીઓનું ફૂલની પાંખડીઓથી સ્વાગત કર્યુ

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી અઢી વર્ષની બાળકની અપહરણ થયું હતું. પોલીસે તપાસ કરતા એક મજૂર જેવો લાગતો વ્યક્તિ બાળકીને લઈને જતો સીસીટીવીમાં નજરે ચડ્યો હતો જે બાદ સુરતની કાપોદ્રા પોલીસના કર્મચારીઓએ તરત જ તપાસ હાથ ધરતા અજાણ્યો ઇસમ બાળકીને લઈને બસમાં બેસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતના નાના વરાછા પાણીની ટાંકી પાસે આવેલી સોસાયટી પાસેથી સાંજના 6 વાગ્યાની આસપાસ અઢી વર્ષની બાળકી ગુમ થઇ ગઇ હતી. બાળકી નહી મળતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. અઢી વર્ષની બાળકી ગુમ થઇ હોય પોલીસે બનાવની ગંભીરતા સમજીને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરુ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી.

કાપોદ્રા પોલીસે જે જગ્યાએથી બાળકી ગુમ થઇ હતી ત્યાંથી લઈને આસપાસ આવેલા વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવા સહિત ટેકનીકલ વર્ક આઉટ અને હ્યુમન સોસીર્સથી તપાસ હાથ ધરી હતી દરમ્યાન પોલીસને એક યુવક બાળકીને લઈને જતો હોવાના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા જે બાદ પોલીસે આ મામલે તપાસ કરતા તે ઇસમ બાળકીને લઈને દાહોદ તરફ જતી બસમાં બેસીને જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું

જે બાદ દાહોદ પોલીસની મદદ લઈને બસ લીમખેડા પાસે એક હોટલ પર રોકાવી હતી અને બાળકીનું અપહરણ કરનાર દીના ઉર્ફે દિનેશ દલ્લુ ચારેલને ઝડપી પાડ્યો હતો અને પોલીસે બાળકીને હેમખેમ મુક્ત કરાવી હતી અને બાળકીને સુરત લાવીને તેનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

પોલીસની ટીમ જેવી બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે બાળકીની માતા દોડીને બાળકીને ભેટી પડી હતી. આસપાસના લોકો પણ પોલીસ મથકે હાજર હતા અને બાળકી સહી સલામત મળી જતા હાજર લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. લોકોએ કાપોદ્રા પોલીસ જિંદાબાદ, વંદે માતરમ, ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા.

બાળકીનું અપહરણ કરનાર દીના ઉર્ફે દિનેશ દલ્લુ ચારેલ મધ્યપ્રદેશના ઝાબુવા જિલ્લાનો વતની છે. સુરતમાં તે સેન્ટીંગનું કામ કરે છે. તેની પ્રાથમિક પૂછપરછમાં પત્ની સાથે લગ્ન જીવન મુદ્દે વિખવાદ ચાલી રહ્યો છે અને તેની પત્ની બાળકને લઈને અલગ રહે છે.જેથી પોતાની પાસે પણ એક બાળક હોય એવી આશાથી તેણે અપહરણ કર્યાની કબુલાત કરી હતી જો કે આ મામલે પોલીસે વધુ તપાસ કરી રહી છે.

બનાવ અંગે ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછા પાણીની ટાંકી પાસે આવેલી સોસાયટી નજીકથી અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. આ મામલે પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. દરમ્યાન કાપોદ્રા પોલીસની ટીમે ટેકનીકલ અને હ્યુમન સોર્સીસથી તપાસ કરવામાં આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.