જોધપુરમાં ઘરઘાટી વૃદ્ધાના ૨.૬૦ લાખના દાગીના ચોરી ફરાર
અમદાવાદ, સેટેલાઇટના પરિવાર સાથે જ સર્વન્ટ રૂમમાં રહેતો ઘરઘાટી વૃદ્ધાના દાગીના ચોરી ગયો હતો. વેપારીની માતા પોતાના બીજા દીકરાના ઘરે ગયા હતા. જ્યાંથી પરત ફર્યા અને પોતાની બેગ પલંગ પર મૂકીને પૌત્રને મળવા ગયા ત્યારે ઘરઘાટી કારીગરી કરીને ફરાર થઈ ગયો હતો.
ઘરઘાટી ઘણા સમયથી વેપારીના પરિવારનું કામ કરતો હતો અને સર્વન્ટ રૂમમાં રહેતો હતો. જોધપુર ખાતેના વિનસ આઇવીમાં રહેતા રિતેશ સિરોહિયાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ઘરઘાટી શંભુસિંહ તંવર વિરુદ્ધ ૨.૬૦ લાખના દાગીનાની ચોરીની ફરિયાદ કરી છે.
રિતેશ સિરોહિયા સ્ટીલના વેપારી છે અને પત્ની પ્રિયંકાબહેન, દીકરો અને માતા સાથે રહે છે. રિતેશ સિરોહિયાના ઘરે શંભુસિંહ તંવર ઘરઘાટી તરીકે કામ કરતો હતો અને ઘરમાં બનાવેલ સર્વન્ટ રૂમમાં રહેતો હતો. શંભુસિંહ મૂળ રાજસ્થાનના સલાવટા ગામના રહેવાસી છે.
રિતેશ સિરોહિયાના મોટાભાઇ સંદીપ સિરોહિયા તેમના પરિવાર સાથે મેમનગર ખાતે રહે છે. ૨૨ નવેમ્બરના રોજ રાજુબહેન રિતેશભાઇના ઘરે પરત આવ્યા હતા અને પોતાની બેગ પલંગ પર મૂકીને પૌત્રને મળવા માટે ગયા હતા. પરત આવીને જોયું તો બેગમાંથી સોનાના રિયલ ડાયમંડવાળી બે બંગડી તેમજ ત્રણ વીંટી ગાયબ હતાં. રાજુબહેનના રૂમમાં ઘરઘાટી શંભુસિંહ ગયો હતો ત્યારથી તે ગાયબ છે.
રાજુબહેને તેના પુત્ર રિતેશને વાત કરી જેથી તેમણે ફરિયાદ કરી છે. રિતેશ પરિવાર સાથે વિયેતનામ ગયો હોવાથી તેણે આવીને ફરિયાદ કરી છે. સેટેલાઇટ પોલીસે આ મામલે ઘરઘાટી શંભુસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કર્યાે છે. પોલીસે શંભુસિંહને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં છે અને એક ટીમ રાજસ્થાન તેના ઘરે પણ મોકલી છે. શંભુસિંહ રિતેશના ઘરે ઘણા સમયથી કામ કરતો હોવાનું સામે આવ્યું છે.SS1MS