શેરબજારની ટીપ્સના ગ્રૂપમાં એડ થયા બાદ યુવક સાથે ૨.૭૫ લાખની ઠગાઈ
અમદાવાદ, ગોમતીપુરમાં રહેતા યુવકને વોટસએપ ગ્રૂપમાં સ્ટોક માર્કેટમાં પ્રોફિટ અપાવવાની લાલચ આપીને મેમ્બર બનાવી શરૂઆતમાં નફો કરાવ્યા બાદ રૂ. ૨.૭૫ લાખનું રોકાણ કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં વોટસઅપ ગ્રૂપના મેન્ટર જ્ઞાન શર્મા અને અન્ય અજાણ્યા ચાર વ્યક્તિ મળી કુલ પાંચ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવાઈ છે.
ગોમતીપુરમાં રહેતા રાહુલભાઈ ખુમાણ સેટેલાઈટમાં આવેલી ખાનગી કંપનીમાં એકાઉન્ટ્સને લગતુ કામકાજ કરે છે. ગત ૨૨ જુલાઈએ તેમના વોટસએપ નંબર પર કોઈ અજાણ્યા વ્યક્તિએ સ્ટોક માર્કેટ પ્રોફાઈલ સ્ટ્રેટેજીસ એ-૧૬માં લીંક મારફતે એડ કરી દીધા હતા.
આ ગ્રૂપના મેન્ટર તરીકે જ્ઞાન વર્મા હોવાનું જણાવ્યું હતું અને તેઓ શેરબજારની ટ્રેડિંગની માહિતી આપતા હતા. જે ટિપ્સ મુજબ શરૂઆતમાં રાહુલભાઈએ તેમને ડિમેટ એકાઉન્ટમાં ટ્રેડિંગ કરતા તેમને નફો થયો હતો. આ ગ્રૂપ પર વિશ્વાસ બેસતા ગ્રૂપની એપ્લિકેશનની લીંકને ફોલો કરતા તેમની તમામ વિગતો માગતા તેમણે સબમિટ કરી હતી.
ત્યારબાદ તેમને મીનીમમ રૂ. ૫૦ હજારનું ટ્રાન્જેક્શન કરવાનું કહેવાતા તેમણે તે મુજબ કર્યું હતું ત્યારબાદ તેમને એપ્લિકેશનમાં પ્રોફિટ બતાવતા તેમણે અલગ અલગ મળીને કુલ રૂ. ૨.૭૫ લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. આ રોકાણ સામે તેમનો નફો એપ્લિકેશનમાં રૂ. ૬.૫૨ લાખ દેખાતા હતા.
જેથી તેમણે આ રૂપિયા ઉપાડવા માટે ગ્રૂપમાં રિકવેસ્ટ મોકલતા તેમને ૨૪ કલાકમાં બેંક ખાતામાં રૂપિયા આવી જશે તેમ કહેવાયું હતું. જો કે તેમ થયું ન હતું ઉલ્ટાનું તેમને વોટસઅપ ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવાયા હતા. તેમણે ગ્રૂપ એડમિન અને અન્ય સભ્યોના ફોન નંબર પર ફોન કરતા તમામના ફોન બંધ આવતા હતા.
અંતે પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા આ અંગે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ કરી હતી. આ મામલે ગોમતીપુર પોલીસે ગ્રૂપ એડમિન જ્ઞાન વર્મા સહિત કુલ પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS