દરવાજો ખુલ્લો રાખી દિકરીને સ્કૂલે લેવા જતાં ઘરમાંથી 2.76 લાખની ચોરી

સુરત, પાંડેસરા ગોવાલક રોડ સનાતન ડાયમંડ નગરમાં રહેતી પરિણીતા સવારે પોણા દસેક વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો ખુલ્લો મુકી છોકરીને સ્કુલે લેવા માટે ગઈ હતી. આ દરમિયાન કેટલાક અજાણ્યા ચોર ઈસમોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ ઘરનો દરવાજો ખુલ્લો હોવાનો ફાયદો ઉઠાવી અંદર પ્રવેશ કરી બેગમાં મુકેલા રૂપિયા ૨.૭૬ લાખના મતાની દાગીના ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જેથી ભોગ બનનાર પરિણીતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોવાલક રોડ સનાતન ડાયમંડ નગરમાં રહેતા સુનીતાબેન અજીતસીંગ ઉદયપાલ સીંગ (ઉ.વ.૩૫)એ ગત તા ૩૦મીના નવેમ્બરના રોજ સવારે પોણા દસેક વાગ્યે ઘરનો દરવાજા ખુલ્લો મુકી તેની દીકરીને પાર્વતી પબ્લીક સ્કુલમાં લેવા માટે ગઈ હતી. તે દરમ્યાન કોઈ અજાણ્યાએ ઘરના દરવાજો ખુલ્લો હોવાના મોકાનો ફાયદો ઉઠાવી અંદર પ્રવેશ કરી બેગમાંથી રૂપિયા ૨,૭૬,૯૩૮ના મતાના દાગીના ચોરી કરી નાસી ગયો હતો.
સુનીતા પંદર બીસ મીનીટ પછી દીકરીને લઈને પરત ઘરે આવી ત્યારે રસોડામાં કપડાની બેગ ખુલ્લી હતી અને સામાન વેરવિખેર પડ્યો હતો. બેગમાં તપાસ કરતા દાગીના ચોરાયા હોવાનુ બહાર આવતા નોકરી પર ગયેલા તેના પતિને ફોન કરતા તેઅો પણ ઘરે આવી ગયા હતા. બંને જણાએ આજુબાજુમાં લોકોને કોઈએ દાગીના ચોરી કર્યા હોય તો આપી દેવા જણાવ્યું હતું પરંતુ દાગીના મળી ન આવતા આખરે ગતરોજ ફરિયાદ નોધાવી હતી.