ભાજપ-કોંગ્રેસમાંથી બે સગા ભાઈઓ આમને સામને
પાંચમી ટર્મ માટે ભાજપના ઈશ્વરસિંહ પટેલને મોટા ભાઈ વિજયસિંહ પટેલ કોંગ્રેસમાંથી આપશે પડકાર
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ – કોંગ્રેસ નહિ પણ બે સગા ભાઈઓ વચ્ચે વિચારસરણી બાબતે સીધો જંગ જાેવા મળી રહ્યો છે.ભાજપે પાંચમી વખત અંકલેશ્વરના વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને ટિકિટ આપી છે.તો તેમની સામે તેમના મોટા ભાઈ જ વિજયસિંહ ઉર્ફે વલ્લભ પટેલને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે.
ભાજપના ઈશ્વરસિંહ પટેલ સામે કોંગ્રેસ માંથી ચૂંટણી લડી રહેલા મોટા ભાઈ વિજયસિંહ પટેલે જણાવ્યું હતું કે ભાજપ મોવડી મંડળની વિચાર સરણી અને સિદ્ધાંતોથી અલગ કામ થઈ રહ્યું છે.પ્રજા જાણે છે વિકાસ ક્યાં છે અને કોનો છે.પરિવર્તન જરૂરી છે.
ભાજપમાં ભ્રષ્ટાચારને ખુલ્લો પાડનાર સામે ખોટા કેસ અને અત્યાચાર થાય છે. જેની સામે અમારી લડત છે.અમારું લોહી એક છે પણ વિચારસરણી અલગ છે.હું મારા માતા-પિતાના ગુણ લોકોની સેવા કરવાની ભાવનાને લઈ ચૂંટણી જંગમાં ઊતર્યો છું.હવે બે મુખ્ય હરીફ પક્ષ માંથી આમને સામને રહેલા બે સગા ભાઈમાં કોણ ચૂંટણી જંગ જીતે છે તે તો ૮ ડિસેમ્બરે જ પરિણામ બાદ ખબર પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિજયસિંહ પટેલ કોંગ્રેસમાં જાેડાયા બાદ પહેલી વખત કોંગ્રેસ માંથી ઉમેદવારી કરી રહ્યા છે.તો કોળી પટેલ સમાજ માં તેઓનું પ્રભુત્વ પણ છે તો આ વખતે ચૂંટણીમાં બંને ભાઈઓ માંથી પ્રજા કોને ચુંટી લાવે છે તે તો ૮ મી ડીસેમ્બરના રોજ જ ખબર પડશે ત્યાં સુધી અનેક ચર્ચાઓ વહેતી રહેશે.