હાઈવે પર ગાય આવતા કાર પલટીને ટ્રક સાથે ટકરાઈ: બે મિત્રોના મોત
લોંગ ડ્રાઈવ ઉપર નીકળેલા બે મિત્રોની કારને નડ્યો અકસ્માત- એક મિત્રની પત્ની ગર્ભવતી છે અને હાલ તે મહારાષ્ટ્રમાં માતા-પિતાના ઘરે છે
રાજકોટ, અમદાવાદ-રાજકોટ જવાના હાઈવે પર એક ગોઝારી અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં બે મિત્રોનાં કરુણ મોત થયા હતા. બંને મિત્રો લોંગ ડ્રાઈવ માટે નીકળ્યા હતા અને કુવાડવા રોડ પર મોડી રાત્રે હાઈવે પર રખડતી ગાય સાથે તેમની કારની ટક્કર વાગી હતી.
આ ગોઝારા અકસ્માતમાં ઘટના સ્થળે જ બે મિત્રોનાં મોત નીપજ્યા હતા. અકસ્માતની આ ઘટના બાદ હાઈવે પર જાેરદાર ટ્રાફિક જામ પણ થયો હતો. કલાકો બાદ આ ટ્રાફિક જામ હળવો થયો હતો. ત્યારે પોલીસે પણ બંને મિત્રોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે ખસેડ્યા હતા.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, ૨૧ વર્ષીય મનિષ સરાપડીયા અને ૨૪ વર્ષનો ભવાન સોનું બંને મૂળ મહારાષ્ટ્રના વતની હતા. જેઓ રાજકોટમાં આવેલી એક જ્વેલરી યુનિટમાં કામ કરતા હતા. તેઓ પેદક રોડ પર રહેતા હતા. તેઓ લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હતા અને ચોટીલા ખાતે ડિનર કરવાનો તેમનો પ્લાન હતો.
કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર ભાર્ગવ જયકાંતે જણાવ્યું કે, રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ આ અકસ્માતની ઘટના બની હતી. બંને મિત્રો રાજકોટ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન હાઈવે પર રખડતી ગાયની સાતે તેમની કાર ટકરાઈ હતી.
અચાનક હાઈવે રખડતી ગાય આવી જતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બાદમાં કાર ગાય સાથે અથડાઈ હતી. જે બાદ કાર ઉછળીને ડિવાઈડરની બીજી બાજુએ જઈને પડી હતી. એ સમયે એક ટ્રક સાથે પણ કાર ટકરાઈ હતી. બીજી તરફ, મૃતક યુવક ભગવાનની પત્ની ગર્ભવતી છે. જે હાલ મહારાષ્ટ્રમાં તેના માતા-પિતાના ઘરે છે. જ્યાર મનિષ જે નજીકના ગામમાં જ રહે છે. પોલીસે આ મામલે અક્સમાતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
તો રાજકોટના ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસરે ગયા અઠવાડિયે જ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં રાજકોટના પાંચ કિલોમીટરના વિસ્તારમા અને હાઈવે નજીકની ગ્રામ પંચાયતોને જણાવ્યું હતુ કે રસ્તા પર રખડતા ઢોરોની વ્યવસ્થા કરવામાં આવે. તો સૂત્રોએ દાવો કર્યો છે કે, આ નોટિફિકેશન માત્ર કાગળ પર જ રહી ગયુ છે. પંચાયતો પાસે આ સુવિધા ઊભી કરવા માટે વ્યવસ્થા નથી અને ભંડોળનો પણ અભાવ છે.