‘મહિલા સ્વાવલંબન યોજના’ અંતર્ગત મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/beauty-parlours-1024x594.jpg)
પ્રતિકાત્મક
આ યોજના હેઠળ મહિલાઓને ૩૦૭ જેટલા વ્યવસાયો શરૂ કરવા માટે અપાય છે રૂપિયા બે લાખ સુધીની લોન
અમદાવાદ, ગુજરાતમાં મહિલાઓને આર્થિકરીતે પગભર બનાવવા સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા “મહિલા સ્વાવલંબન યોજના” અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રૂ. ૨ લાખ સુધીની બેંક લોન આપવામાં આવે છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગની ‘મહિલા સ્વાવલંબન યોજના’ નારીશક્તિને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી આપવાનું એક સરાહનીય પગલું છે. આ યોજના અંતર્ગત પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતી મહિલાઓને બ્યૂટી પાર્લર, દરજીકામ, અગરબત્તી તમામ પ્રકારના મસાલા, ભરતગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત ૩૦૭ જેટલા વ્યવસાયો માટે રૂ. ૨ લાખ સુધીની લોન આપવામાં આવે છે.
રાજ્યની ૧૮ થી ૬૫ વર્ષની ઉંમરની કોઈપણ મહિલા આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનામાં સબસીડીનું ધોરણ કેટેગરી મુજબ નક્કી કરવામાં આવે છે. જેમાં જનરલ કેટેગરીની મહિલા માટે પ્રોજેક્ટ કોસ્ટના 30% અથવા મહત્તમ રૂ. ૬૦,૦૦૦ અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે ૩૦ ટકા અથવા રૂ. ૫૦,૦૦૦ તેમજ વિધવા મહિલા તથા ૪૦ ટકા થી વધુ દિવ્યાંગતા ધરાવતી મહિલાઓને ૪૦ ટકા અથવા રૂ. ૮૦,૦૦૦ બંને માંથી જે ઓછું હોય તેટલી સબસિડી મળવાપાત્ર છે.
આ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦ સુધીની હોય તેવી કોઈપણ મહિલા અરજી કરી શકે છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે જરૂરિયાત મુજબની સહાય આપવાનો છે.
મહિલા સ્વાવલંબન યોજના થકી ગાંધીનગરના પરમાર હર્ષાબેન આનંદભાઈએ પોતાનો વ્યવસાય શરૂ કરી સફળતાની નવી ઊંચાઈઓ સર કરી છે.
શરૂઆતમાં હર્ષાબેન પ્રાઇવેટ નોકરી કરીને માસિક રૂ.૧૫,૦૦૦ પગાર મેળવતા હતા. ત્યારબાદ તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છા જાગી. મહિલા સ્વાવલંબન યોજના વિશે જાણ્યા બાદ તેમણે કાપડની દુકાન શરૂ કરવા માટે અરજી કરી. યોગ્ય ચકાસણી બાદ તેમને રૂ. ૨,૦૦,૦૦૦ની લોન ઓછા વ્યાજ દરે મંજૂર કરાઇ હતી.
આજે હર્ષાબેન પોતાની દુકાન સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે અને નોકરી કરતાં વધુ સારી કમાણી કરી રહ્યા છે. આ વ્યવસાયની આવકથી તેઓ પોતાના બાળકોને સારું શિક્ષણ આપી રહ્યા છે અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ બની રહ્યા છે.
આ યોજના મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હર્ષાબેનની સફળતાની કહાની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.
હર્ષાબેન મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા અમલીકૃત મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત હર્ષાબેન જેવી ગુજરાતની અનેક મહિલાઓએ પોતાનો વ્યવસાય શરૂ કરી સફળતાની નવી ઊંચાઈઓ સર કરી છે.
આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક મહિલાઓ પોતાના જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી યોજનાનું ફોર્મ મેળવી શકે છે.