Western Times News

Gujarati News

સિંહો પાછળ બસ દોડાવી પજવણી કરનાર ૨ શખ્સને ૩ વર્ષની કેદ

રાજુલા, રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં પાંચેક વર્ષ પૂર્વે સિંહનું ટોળું વિહરતું હતું. ત્યારે જંગલના રાજા સિંહના સમૂહ પાછળ બસ દોડાવી પજવણી કરી વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જે બનાવમાં બે શખ્સને કોર્ટે ત્રણ વર્ષની કેદ અને ૨૫ હજારનો દંડ ભરવા હુકમ કર્યાે હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૧૯માં રાજુલાના પીપાવા પોર્ટમાં રિલાયન્સ ગેટ પાસે જેટી રોડ ઉપરથી પાંચ સિંહનું ગુÙપ વિહરતું હતું. આ સમયે બસ નં.જીજે.૦૪.એડબ્લ્યુ.૨૦૦૪ના ડ્રાઈવર સુલેમાન બાબુભાઈ કલાણિયાએ જાણી જોઈને સિંહોનું મૃત્યુ થાય તે રીતે પુરપાટ ઝપડે બસ દોડાવી સિંહોને હેરાન-પરેશાન કરી તેમની કુદરતી અવસ્થામાં ખલેલ પહોંચાડી હતી.

આ સમયે બાજુમાં બેઠેલો ભાર્ગવ દિનેશભાઈ પરમાર નામના શખ્સે મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારી વોટ્‌સએપના માધ્યમથી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યાે હતો.

જે બનાવ અંગે રાજુલા રેન્જના ફોરેસ્ટ ઓફિસર રાજલબેન ડી.પાઠકે બન્ને શખ્સ સામે ફરિયાદ દાખલ કરાવતા જેના આધારે સુલેમાન કલાણિયા અને ભાર્ગવ પરમારની ધરપકડ કરી રેન્જ ફોરેસ્ટ ઓફિસરે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

દરમિયાનમાં આ અંગેનો કેસ રાજુલાના એડીશનલ ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દિવ્યેશ બી. ગાંધીની દલીલો, સાહેદો-પંચો, તપાસ અધિકારીની જુબાની, વિવિધ દસ્તાવેજી પુરાવાઓ, મોબાઈલ ફોન, સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક પુરાવાઓ, એફએસએલ રિપોર્ટ વગેરેના મૂલ્યાંકનના આધારે એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, સિંહો જંગલના રાજા છે અને સામાન્ય ક્રમમાં જો તેને છંછેડવામાં ન આવે તો કોઈ નુકશાન કરતા નથી અને આરોપી સુલેમાન કલાણિયાએ સિંહની પાછળ બસ દોડાવી, આરોપી ભાર્ગવ પરમારે તેને અટકાવવાના બદલે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ હોય અને મુંગા પ્રાણીઓ પ્રત્યે કરૂણા રાખ્યા વિના આવુ કૃત્ય કરતા સિંહોનું ટોળું ડર અનુભવતા વિખેરાઈ જતાં પાઠડા (સિંહોના બચ્ચા) તેમનાથી અલગ પડી ગયા હતા.

આ સંજોગોમાં મુંગા પ્રાણીઓ કે વન્ય પ્રાણીઓ સાથે આવા કોઈ અપકૃત્યો ન થાય અને સમાજમાં દાખલો બેસે, આવા અપકૃત્યો અટકે તે માટે બન્ને આરોપી સુલેમાન બાબુભાઈ કલાણિયા, ભાર્ગવ દિનેશભાઈ પરમારને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ (સુધારા અધિનિયમ-૨૦૦૨)ની કલમ ૨ (૧૬), ૯ અને ૫૧ સાથે વાંચતા ત્રણ વર્ષની સજા અને રૂ.૨૫,૦૦૦નો દંડ ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટના આકરા વલણ અને દાખલારૂપ સજાના હુકમથી વન્ય પ્રાણીઓની પજવણી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ (સુધારા અધિનિયમ-૨૦૦૨)ની કલમ ૨ (૧૬) મુજબ કોઈપણ વન્યપ્રાણીને પકડવા, મારવા, ઝેર આપવા, જાળમાં ફસાવવા, ફાસલામાં નાંખવા, તગેડવા કે ભગાડવા જેવા દરેક પ્રયત્નો નિષ્ફળ જાય તો પણ તે વન્ય પ્રાણીનો શિકાર કરેલો હોય તેમ માનવામાં આવે છે.

આ માટે ત્રણથી સાત વર્ષની સજા અને એક લાખ સુધી દંડની જોગવાઈ છે. આમ, સિંહોની પજવણી કરવી એ પણ સિંહોના શિકાર સમાન હોવાનું સરકારી વકીલ દિવ્યેશ બી.ગાંધીએ જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.