Western Times News

Gujarati News

૨ વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારે 62 કરોડનો ખર્ચ કર્યો

ગરીબો સારી શાળાઓની માંગ કરી રહ્યા છે,યુવાનો રોજગારી માટે તલસી રહ્યા છે,-માછીમારોને સબસિડી આપવા માટે કે લોન આપવા માટે સરકાર પાસે નાણાં નથી, પરંતુ વિમાન ખરીદવા માટે કરોડો રૂપિયા ઉપલબ્ધ છે: કાંતિ ખરાડી

(એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં સરકારી માલિકીના વિમાન અને હેલિકોપ્ટરની જાળવણી અને સંચાલન પાછળ અધધ ખર્ચ કરવામાં આવ્યો છે. વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જનતાની કમાણીના કુલ રૂ.૬૧,૯૭,૬૩,૪૬૨ (અંદાજે ૬૧ કરોડ ૯૭ લાખ રૂપિયા)નો ખર્ચ વિમાનના ભાડા, પાર્કિંગ, પાયલોટના પગાર અને મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ, ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૩ થી ૩૧ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં રૂ.૨૩,૩૮,૮૯,૪૫૨ (૨૩ કરોડ ૩૮ લાખ રૂપિયા)નો ખર્ચ થયો હતો. જ્યારે, ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધીના સમયગાળામાં આ ખર્ચ વધીને રૂ.૩૮,૫૮,૭૪,૦૧૦ (૩૮ કરોડ ૫૮ લાખ રૂપિયા) સુધી પહોંચ્યો હતો.

સરકારે જણાવ્યું હતું કે આ ખર્ચ હેલિકોપ્ટરના મેન્ટેનન્સ, પાર્કિંગ, ભાડું, પાયલોટ અને અન્ય સ્ટાફ પાછળ કરવામાં આવ્યો છે. આ માહિતી દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે ગૃહમાં રજૂ કરી હતી.

સરકાર દ્વારા કરવામાં આવેલા આ ખર્ચને લઈને વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ હેલિકોપ્ટરની ખરીદી અંગે પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે સરકારે હેલિકોપ્ટર ખરીદી માટે રૂ. ૬૧,૯૭,૬૪,૪૨૨ રૂપિયા ફાળવ્યા છે.

તેમણે કહ્યું કે એક તરફ ગામડામાં વસતા ગરીબ લોકો ઘર અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ માટે માંગ કરી રહ્યા છે, ગરીબો સારી શાળાઓની માંગ કરી રહ્યા છે, ત્યારે સરકાર આ રીતે પ્રજાના પૈસાનો દુર્વ્યય કરી રહી છે,

જેના કારણે જનતા સરકારના તાગડધિન્ના અંગે પ્રશ્નો ઉઠાવી રહી છે. આ ઉપરાંત, કોંગ્રેસના અન્ય ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ સરકાર દ્વારા નવા વિમાનની ખરીદી માટે કરવામાં આવેલા ખર્ચ અંગે ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે નવા વિમાનની ખરીદી માટે ૧૯૭,૯૦,૨૨,૩૬૬ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ અંગે વિમલ ચૂડાસમાએ આક્ષેપ લગાવ્યો હતો કે સરકાર પાસે વિમાન ખરીદવા માટે નાણાં છે, પરંતુ રાજ્યના ખેડૂતો અને યુવાનો માટે ખર્ચ કરવા માટે નાણાં નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયેલા છે અને દેવા માફી માટે સરકાર પાસે નાણાં નથી. યુવાનો રોજગારી માટે તલસી રહ્યા છે, પરંતુ તેમના માટે રોજગારીના અવસરો ઊભા કરવા માટે નાણાં નથી.

માછીમારોને સબસિડી આપવા માટે કે લોન આપવા માટે સરકાર પાસે નાણાં નથી, પરંતુ વિમાન ખરીદવા માટે કરોડો રૂપિયા ઉપલબ્ધ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારને લોકોની સુવિધા અને જરૂરિયાતોની કોઈ પરવા નથી. આમ, રાજ્ય સરકાર દ્વારા વિમાન અને હેલિકોપ્ટર પાછળ કરવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચને લઈને વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો અને વિપક્ષે સરકારની નીતિઓ પર આકરા પ્રશ્નો ઉઠાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.