હિંમતનગરમાંથી માદક પદાર્થ સાથે અમદાવાદના ૨ યુવકો ઝડપાયા
(એજન્સી)હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીકથી સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઈડર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ એક કારને રોકીને તલાશી લેતા કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
અમદાવાદના બે શખ્શોને માદક પદાર્થ સાથે ઝડપી લઈને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધીને તપાસ શરુ કરમવામાં આવી છે. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફ બે શખ્શો કારમાં માદક પદાર્થ લઈને નિકળ્યા છે.
જેને લઈ ઈડર સ્ટેટ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન હિંમતનગર એસઓજીની ટીમે સતર્કતા દાખવી હતી. હિંમતનગર બાયપાસ રોડ વિરપુર ત્રણ રસ્તા પાસે બાતમીનુસારની કારને રોકીને તલાશી લેતા તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. કારમાં સવાર અમદાવાદના બે શખ્શોને પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જઈ રહ્યા હતા એ અંગેની તપાસ શરુ કરી છે. ૧૭ કિલો ૨૦૦ ગ્રામ જેટલા ગાંજાના જથ્થાને જપ્ત કરીને હિંમતનગરના ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
એસઓજી પીઆઈ એનએન રબારી અને પીએસઆઈ કેબી ખાંટે જયરાજસિંહ અને નિકુંજકુમારની બાતમી આધારે બંને શખ્શોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે પ્રિયાંશ ગણેશભાઈ પંડિત, સ્વસ્તીક પ્લેટિનીયમ ફ્લેટ, નારોલ, લાંભા રોડ, અમદાવાદ મૂળ રાણાવાસ, લુણાવાડા અને વૈભવ દેવેન્દ્રકુમાર સાંડપા, રહે હરીકૃપા પાર્ક સોસાયટી, ઘોડાસર, અમદાવાદને ઝડપી લીધા હતા.