ઘરફોડ ચોરી કરતી પુનિયા ગેંગ પાસેથી મળ્યા 20 લાખના દાગીનાઃ 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો
બગોદરા : અમદાવાદ ગ્રામ્ય તથા સુરેન્દ્રનગર જિલ્લાની ઘરફોડ ચોરી તથા સીમમાં ચોરીના જુદાજુદા ગુનાઓ આચરી તરખાટ મચાવનારા કુખ્યાત પુનીયા ગેંગના ત્રણ શખ્સોને રૂ.૨૨.૧૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને એલસીબી પોલીસે સાત ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ ધોળકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે પોલીસે પુનીયા ગેંગના પૂનમભાઈ ઉર્ફે પુનો રમેશભાઈ ઠાકોર (રહે. ખાન તળાવ,ધોળકા), અલ્પેશભાઈ ઉર્ફે અલ્પો કલજીભાઈ કોળી પટેલ (રહે. ગધેમાર વડની સામે,ધોળકા) અને અશોકભાઈ બચુભાઈ કોળી પટેલ (રહે. ગધેમાર,ધોળકા)ને ધોળકાની બલાસ ચોકડીથી ઝડપી પાડયા હતા.
તેઓની પુછપરછમાં તેમણે ચોરી, ઘરફોડ અને અન્ય મિલકત સંબંધી ગુનાઓ આચરેલા હોવાની કબૂલાત કરતા કોઠ પોલીસ સ્ટેશનનાં ત્રણ, નળસરોવર પોલીસ સ્ટેશનનો એક, વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનનો એક અને વઢવાણ પોલીસ સ્ટેશનનાં બે એમ સાત ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૨૦,૨૫,૩૦૨ની કિંમતના સોના-ચાંદીના દાગીના, ત્રણ મોબાઈલ, એક મોટર સાયકલ, એક રિક્ષા, રૂ.૩૩,૭૫૦ની કિંમતના ૨૭ મણ એરંડા તથા અંગજડતીમાંથી મળેલા રૂ.૪૮૦ મળી કુલ રૂ.૨૨,૧૫,૫૩૨નો મુદ્દામાલ રીકવર કર્યો હતો. તેમજ આગળની કાર્યવાહી કરી હતી.