ધંધા માટે સરકાર કરશે સહાયઃ રૂ.૨૦ લાખ સુધીની લોન ઉપલબ્ધ કરાવાશે
(એજન્સી)નવી દિલ્હી, મોદી ૩.૦નું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રધાનમંત્રી મુદ્રા યોજના સાથે જોડાયેલી છે. આ સરકારી યોજના અંતર્ગત મુદ્રા લોનની લિમિટને વધારીને બેગણી કરવામાં આવી છે.
પહેલા આ સ્કીમ અંતર્ગત એમએસએમઈ માટે ૧૦ લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હતી, જે હવે ૨૦ લાખ રૂપિયા સુધીની કરી દેવામાં આવી છે. દેશના યુવાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી મુદ્રા યોજના ચલાવી રહી છે. આ સ્કીમ અંતર્ગત અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં કોર્પોરેટ ન હોય તેવા નાના ઉદ્યોગોને શરૂ કરવા કે વિસ્તારવા માટે ૧૦ લાખ રૂપિયા સુધીની લોન અપાઈ રહી હતી.
હવે તેને ૨૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ લોન સરળતાથી અને સસ્તા વ્યાજ દર પર મળે છે. જો તમે સમયથી લોન ચુકવતા રહો છે, તો ઋણના વ્યાજ દર પણ માફ થઈ જાય છે. નાણાં મંત્રીએ કહ્યું કે જેમણે પોતાની અગાઉની લોન ચુકવી દીધી છે, તેમને હવે બેગણી લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે જેને પહેલેથી લોન ચાલુ છે, તેને તેનો લાભ ત્યારે જ મળશે, જ્યારે તે તેની જૂની લોન ચુકવી દેશે.
પીએમ મુદ્રા યોજના અંતર્ગત મળતી લોનને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. આ ત્રણ કેટેગરી શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોનની છે. શિશુ લોન અંતર્ગત ૫૦ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. કિશોર લોન અંતર્ગત ૫૦ હજાર રૂપિયાથી લઈને ૫ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તરુણ લોન અંતર્ગત અત્યાર સુધીમાં ૧૦ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે.