કોલેજની ફેરવેલ સ્પીચ આપતી ૨૦ વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત

મુંબઈ, મહારાષ્ટ્રના ધારાશીવમાં વીસ વર્ષીય વિદ્યાર્થિનીનુ કોલેજમાં ફેરવેલ સ્પીચ આપતી વખતે હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ વિદ્યાર્થિની ચાલુ સ્પીચે જ ઢળી પડી હતી.
દેશમાં અનેક યુવાનોના આ રીત અચાનક હૃદય બંધ પડી જવાથી મોતના કિસ્સાઓના કારણે ભારે ચિંતાની લાગણી ફેલાઈ છે. મહારાષ્ટ્રના ધારાશિવ શહેરમાં, પરાંડા સ્થિત મહષ ગુરુવર્ય આરજી શિંદે મહાવિદ્યાલયમાં કોલેજના કાર્યક્રમ દરમિયાન ૨૦ વર્ષીય કોલેજ વિદ્યાર્થિની વર્ષા ખરાટ ફેરવેલ સ્પીચ આપી રહી હતી. ચાલુ સ્પીચ જ તે અચાનક ઢળી પડી હતી.
ઘટનાના વાયરલ વીડિયોમાં તે હસતી અને પ્રેક્ષકો સાથે વાતચીત કરતી દેખાય છે, પણ પછી અચાનક ધીમી પડી અને બેભાન થઈ ગઈ હતી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
વર્ષા કોલેજમાં બીએસસીમાં ફાઈનલ યરમાં અભ્યાસ કરતી હતી. આ ઘટના તા. પાંચમી એપ્રિલની હોવાનું કહેવાય છે. કોલેજમાં ફેરવેલ ફંકશન હોવાથી તે સાડીમાં સજ્જ થઈને આવી હતી અને તેને ફેરવેલ સ્પીચ આપવાનો મોકો મળ્યો હતો. જોકે, આ વિદાય સ્પીચ માત્ર કોલેજ જ નહિ પરંતુ જિંદગીની જ વિદાય સ્પીચ બની ગઈ હતી.
કેટલાક અહેવાલો અનુસાર વર્ષાના પરિવારજનોને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે વર્ષાને નાની વયથી જ હૃદયને લગતી તકલીફ હતી. સાત વર્ષ પહેલાં તેની બાયપાસ સર્જરી પણ થઈ હતી. સ્થાનિક શાળામાં ફરજ બજાવતા વર્ષાના કાકા ધનજી ખરાટે મીડિયાને કહ્યુ ંહતું કે હાર્ટ સર્જરી બાદ વર્ષા નિયમિત દવા લેતી હતી.
જોકે, બનવા જોગ છે કે બનાવના દિવસે ઝડપભેર કોલેજ પહોંચવાની ઉતાવળમાં તે પોતાની દવા લેવાનું ભૂલી ગઈ હશે. વર્ષાનો પરિવાર કૃષિ સાથે સંકળાયેલો છે.
કોલેજ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર તે બહુ જ હોંશિયાર અને મહત્વાકાંક્ષી વિદ્યાર્થિની હતી. ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટનામાં ઉત્તર પ્રદેશના બરેલીમાં લગ્નની રજત જયંતીની ઉજવણીના સમારોહમાં પચાસ વર્ષીય વેપારી વાસિમ સરવાર પોતાની પત્ની સાથે નૃત્ય કરતી વખતે પડી ગયો.
તેને તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી હોવા છતાં હોસ્પિટલમાં પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.દરમ્યાન મધ્ય પ્રદેશના અશોકનગર જિલ્લામાં એક પશુચિકિત્સકને ડ્રાઈવિંગ કરતી હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમની કાર એક પાર્ક નજીક અચાનક અટકી ગઈ જ્યાં રાહદારીઓએ તેમને બેભાન અવસ્થામાં જોયા. કમનસીબે તેઓ પણ બચાવી ન શકાયા.
ભાષણ આપતી વખતે, પાર્ટીઓ અને ડ્રાઇવિંગ જેવા રોજિંદા સંદર્ભાેમાં બનતી આ દુઃખદ ઘટનાઓએ ભારતમાં, ખાસ કરીને યુવાન અને સ્વસ્થ દેખાતા લોકોમાં અચાનક હૃદયરોગના કારણે થતા મૃત્યુની વધતી જતી સંખ્યા બાબતે લોકોમાં ચિંતા ફેલાવી છે.SS1MS