૨૦ વર્ષ અગાઉ ટ્રક અડફેટે મોત બાદ વળતર મળ્યું
અમદાવાદ, વીસ વર્ષ પહેલા થયેલા એક માર્ગ અકસ્માતમાં મોટર એક્સિડે્ટ ટ્રિબ્યુનલે મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. વીસ વર્ષ પહેલા વાપી હાઈવે પર મુંબઈથી સુરત આવી રહેલી એક હોન્ડા સિટી કાર તથા સુરતથી મુંબઈ જતાં લાર્સન એન્ડ ટુબ્રો કંપનીની માલિકીની ટ્રક વચ્ચે આ અકસ્માત થયો હતો. જેમાં મૃતક ડાયમન્ડ એક્સપોર્ટરના વારસદારોને તથા ત્રણ ઈજાગ્રસ્તોની ક્લેમની માંગને મોટર એક્સિડેન્ટ ટ્રિબ્યુનલના ઓક્ઝીલરી જજ પ્રણવ દવેએ મંજૂર કરી છે.
ટ્રિબ્યુનલે મૃતકના વારસદારોની ૧.૬૫ કરોડ રૂપિયાની માંગને મંજૂર કરતાં નવ ટકા વ્યાજ સહિત ૩.૬૬ કરોડ રૂપિયા તથા ઈજાગ્રસ્તોને કુલ ૫.૮૯ લાખ વળતર ચૂકવવા ટ્રકચાલક, માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે.
આ અકસ્માતની વિગત જાેઈએ તો સુમુલ ડેરી રોડ સ્થિત શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા અને ડાયમંડ પ્રોડક્શન અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ પેઢીના ભાગીદાર ૪૧ વર્ષીય રમેશચંદ્ર પટેલ, તેમના પત્ની હંસાબેન તથા કૌશિક પટેલ અને તેમના પત્ની ગીતાબેન સાથે ૧૫-૧૧-૨૦૦૨ના રોજ ધર્મેશ પટેલની માલિકીની હોન્ડા સિટી કારમાં મુંબઈથી સુરત તરફ આવી રહ્યા હતા. તેમની કાર કૌશિક પટેલ ચલાવી રહ્યા હતા.
આ દરમિયાન સુરતથી મુંબઈ તરફ એક ટ્રક આવી રહી હતી. જે જામનગર જિલ્લાના મોટી ખાવડી-સિક્કા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો પ્રાઈવેટ લિમિટેડ કંપનીની માલિકીની હતી. ટ્રકના ચાલકે બેદરકારીથી ટ્રક ચલાવીને હોન્ડા સિટી કારને અડફેટે લીધી હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં ડાયમંંડ પેઢીના સંચાલક રમેશચંદ્ર પટેલને ગંભીર ઈજઓ થઈ હતી અને તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે હોન્ડા સિટીનાના ચાલક કૌશિક પટેલ, ગીતાબેન કૌશિક પટેલ તથા હંસાબેન રમેશચંદ્ર પટેલને ઈજા થઈ હતી.
બાદમાં મૃતક રમેશચંદ્રના વિધવા પત્ની હંસાબેન તથા તેમના સંતાનોએ ૧.૬૫ કરોડ રૂપિયા તથા ઈજાગ્રસ્ત હંમસાબેનને બે લાખ, ગીતાબેનને પાંચ લાખ તથા કૌશિક પટેલને ૨૫ હજાર રૂપિયા વળતર ચૂકવવા માટે એલ એન્ડ ટી કંપનીના મેનેજર અને નેશનલ ઈન્સ્યોરન્સ કંપની પાસે માંગ કરી હતી. તેની સુનાવણી મોટર એક્સિડેન્ટ ટ્રિબ્યુનલમાં ચાલી રહી હતી.
કેસની સુનાવણી દરમિયાન મૃતકના વારસો તરફથી વીએ પટેલ તથા એસએમ કલાથીયાએ જણાવ્યું હતું કે મૃતક ૪૧ વર્ષના હતા અને રાજ ઈમ્પેક્ષ નામની ડાયમંડ ઉત્પાદન તથા એક્સપોર્ટ ઈમ્પોર્ટ કરીને વાર્ષિક ત્રણ લાખ રૂપિયાની આવક ધરાવતા હતા. તેથી તેમને તથા અન્ય ઈજાગ્રસ્તોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.
ટ્રિબ્યુનલો તેમની માંગને માન્ય રાખી હતી અને વાર્ષિક નવ ટકાના વ્યાજ સાથે મૃતકના વારસદારોને ૩.૬૬ કરોડ રૂપિયા તથા ઈજાગ્રસ્ત હંસાબેનને ૧.૬૯ લાખ, ગીતાબેનને ચાર લાખ તથા કૌશિક પટેલને ૨૦ હજાર રૂપિયા અકસ્માત વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. ટ્રિબ્યુનલે આ આદે ટ્રક ચાલક, માલિક તથા વીમા કંપનીને કર્યો હતો.SS1MS