ઇડર પંથકની સગીરા પર દુષ્કર્મ આચરનારને ૨૦ વર્ષની સજા

હિંમતનગર , ઇડર પંથકની સગીરા પર ત્રણ વર્ષ અગાઉ બળાત્કાર ગુજારનાર બડોલી ગામના આરોપીને ન્યાયાધીશે કસુરવાર ઠરાવી ૨૦ વર્ષની સજા તથા રૂ. ૨ લાખ વળતર પેટે સગીરાના પરિવારને ચૂકવવાનો આદેશ કર્યાે હતો.
આ અંગે સરકારી વકીલ પ્રણવભાઇ સોનીના જણાવ્યા અનુસાર, ગત તા.૨૨-૪-૨૦૨૨ના રોજ બડોલીના દશરથભાઇ સેંધાભાઇ રાવળે તાલુકાના અન્ય એક ગામે રહેતા પરિવારની સગીરાને પુંસરી ગામે બાઇક પર બેસાડી લઇ ગયો હતો. જ્યાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. આ અંગે સગીરાના વાલીવારસોએ દશરથ રાવળ સામે તત્કાલીન સમયે ઇડર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ઘટનાની તપાસ કર્યા બાદ તેની ચાર્જશીટ ઇડર કોર્ટમાં મોકલી આ અંગેનો કેસ બુધવારે ન્યાયાધીશ કે.એસ. હીરપરાની કોર્ટમાં ચાલી જતાં દશરથ રાવળને પોક્સો એક્ટ અંતર્ગત કસૂરવાર ઠરાવી આઇપીસી કલમ ૩૭૬ (૨), (એન)ના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૨૫ હજારનો દંડ ઉપરાંત પોક્સો એટક ૨૦૧૨ની કલમ-૫ (એલ) અને ૬ મુજબ ૨૦ વર્ષની સખત કેદની સજા, રૂ.૨૫ હજારનો દંડ ફટકાર્યાે છે.
તે રકમ સગીરાના વાલીવારસોને વળતર પેટે ચૂકવવાનો રહેશે. તથા સરકાર દ્વારા પણ રૂ.૧.૫૦ લાખનું વળતર પેટે ભોગ બનનારને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કાર્યવાહી કરીને ચૂકવવું પડશે એમ ન્યાયાધીશે પોતાના આદેશમાં જણાવ્યું છે.SS1MS