સ્વસહાયતા જૂથોની બહેનો ગૃહ ઉપયોગી ઉત્પાદનોની પ્રવૃત્તિઓ કરીને પૂરક આવક મેળવે છે.
ઉદ્યમ થી ઉન્નતિ…
જિલ્લાના સ્વસહાયતા જૂથોની સદસ્ય બહેનો ખાદ્ય સામગ્રી ગૃહ સજાવટ અને ગૃહ ઉપયોગી ઉત્પાદનોની ૨૫ થી વધુ પ્રવૃત્તિઓ કરીને પૂરક આવક મેળવે છે.
જી.એલ.પી.સી.ના માધ્યમ થી ૩૨૮ એસ.જી.એચ.ને બેન્કોની મદદથી આપવામાં આવી રૂ.૩ કરોડ ૬૬ લાખની કેશ ક્રેડિટ
ઉત્પાદકીય પ્રવૃત્તિઓને મળશે વેગ..
વડોદરા,ભારે શારીરિક પરિશ્રમ એ મજદૂરી છે.પરંતુ જ્યારે પરિશ્રમ ઉત્પાદકીય કુશળતાઓ સાથે જોડીને કરવામાં આવે ત્યારે એ ઉદ્યમ બની જાય છે જે વધુ આર્થિક ઉન્નતિના માર્ગે લઈ જાય છે.ક્યારેક ઘરકામના વહેલી સવાર થી મોડી રાત્રિ સુધીના આકરા શ્રમ કાર્ય પછી જિલ્લાના ગામોની મહિલાઓ નવરાશ ની બે ઘડી મળે તો ટોળટપ્પામાં વિતાવતી.મહિલાઓના આર્થિક સશક્તિકરણ ને વેગ આપવા ગ્રામ વિકાસ વિભાગ હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓના માધ્યમ થી ગ્રામીણ બહેનોના સ્વ સહાયતા જૂથો એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ/ એસ.એચ.જી.બનાવવામાં આવ્યાં છે.
આજે તેના માધ્યમ થી વડોદરા જિલ્લાની,આ ગૃપોની સદસ્ય મહિલાઓ ઘરકામ ની સાથે પોતાની કોઠાસૂઝ અને કુશળતાઓ જોડીને ૨૫ થી વધુ પ્રકારની ઉત્પાદકીય પ્રવૃત્તિઓ કરીને, પોતાના પરિશ્રમ ને ઉદ્યમ બનાવીને પૂરક આવક મેળવી રહી છે.વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના ડી.એલ.એમ. મુલરાજસિંહ જણાવે છે કે આ એસ.જી.એચ.સાથે જોડાયેલી બહેનો ગૌ મૂત્ર નું ફ્લોર ક્લીનર બનાવવું,ખાખરા બનાવવા,કાગળની અને કાપડની થેલીઓ બનાવવી,મહિલા દૂધ સહકારી મંડળીઓનું સંચાલન કરવું,કેટરિંગ સેવાઓ આપવી,અથાણાં,પાપડ,મઠિયાં, ચોળાફળી,ફરસાણ, કેળા વેફર, ચવાણું બનાવવું, રૂની દિવેટ,મસાલા બનાવવા, વર્મી કંપોસ્ટ ખાતર બનાવવા જેવી ૨૫ થી વધુ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ કરે છે.
જે પૂરક આવક દ્વારા તેમના ઘરેલુ અર્થતંત્ર ને મજબૂત બનાવે છે.ક્યાંક તેઓ આવા ઉત્પાદકીય કામોની પરંપરાગત કુશળતા ધરાવે છે તો ક્યાંક તેમને જરૂરી તાલીમ આપવામાં આવી છે.ઘરમાં રહીને આ પ્રવૃત્તિઓ થઈ શકતી હોવાથી ઘર પણ સચવાય છે.તેમના ઉત્પાદનો ઘરની સજાવટ અને સાધન સુવિધા વધારવામાં અને નાસ્તા તરીકે ઉપયોગી હોવાથી લગભગ ગામ બેઠા વેચાણ થાય છે.આ ગ્રૂપોની પ્રવૃત્તિઓ ને નાણાકીય, તાલીમી અને બજાર વિષયક આધાર આપવા રાજ્યના ગ્રામ વિકાસ વિભાગે ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની – જી.એલ.પી.સી.ની સ્થાપના કરી છે જે તેમના વતી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સાથે ધિરાણ સુવિધાઓનું સંકલન કરે છે અને રાજ્ય સરકારના નાણાકીય પીઠબળ ને તેમના માટે સુગમ બનાવે છે.
આજીવિકા મિશન હેઠળ વડોદરા જિલ્લામાં આવા ૫૦૦ થી વધુ એસ.જી.એચ. ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં કરી રહ્યાં છે.હાલની જ વાત કરીએ તો વડોદરા જિલ્લામાં વિવિધ બેન્કોના માધ્યમ થી ૫૦૩ મહિલા સ્વ સહાય જૂથોને રૂ.૫ કરોડ ૪૧ લાખથી વધુ રકમનું રોકડ ધિરાણ એટલે કે લોન મંજૂર કરવામાં આવી છે જે તેમની ઉત્પાદકીય પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવશે.વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામકશ્રી ના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં આ પૈકી ૩૨૮ સ્વ સહાયતા જૂથોને ૮ જેટલી જાહેર ક્ષેત્રોની બેન્કોના ધિરાણ આયોજન હેઠળ રૂ.૩ કરોડ ૬૬ લાખથી વધુ રકમની કેશ ક્રેડીટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રીશ્રી એ જાતે,મહેસૂલ મંત્રી અને મહિલા તથા બાળ વિકાસ રાજ્ય મંત્રીશ્રી ને સાથે રાખીને શહેરમાં યોજાયેલ મહિલા શક્તિ મેળામાં સ્વ સહાયતા જૂથો ને ચેક વિતરણ કર્યું હતું જે મહિલા સશકિતકરણ માટેના રાજ્ય સરકારના સંકલ્પની પ્રતીતિ કરાવે છે.બેન્કો દ્વારા જિલ્લાના કુલ ૫૦૩ સક્રિય એસ.એચ.જી. માટે કુલ રૂ.૫ કરોડ ૪૧ લાખથી વધુ રકમની કેશ ક્રેડીટ મંજૂર કરવામાં આવી છે જે તબક્કાવાર મળી જાય એવું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એ કર્યું છે.જિલ્લાના ૮ તાલુકાઓમાં આ જૂથો કાર્યરત છે.
જે પૈકી વાઘોડિયા તાલુકામાં ૧૨૫,વડોદરા તાલુકામાં ૧૦૭, સાવલીમાં ૬૬,પાદરામાં ૭૪,કરજણમાં ૬૦,ડેસર માં ૩૯ અને ડભોઇ તાલુકામાં ૩૨ મહિલા સ્વ સહાયતા જૂથો પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. પ્રત્યેક જૂથમાં ૧૦ સદસ્ય બહેનો પ્રમાણે ૫૦૩૦ મહિલાઓ આ જૂથોના માધ્યમ થી,પોતાની ઉત્પાદકીય કુશળતાનો વિનિયોગ કરીને,લગભગ ઘરમાં કે ગામમાં રહીને આર્થિક આધાર મેળવી રહી છે.
સુરેશ મિશ્રા